35.6 C
Gujarat
October 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર, ગીતા ગાયનની ભૂમિ પર નવમા દિવસની કથાનું ગાન થયું

ભારત રૂપી સ્વસ્તિકનું કેન્દ્ર ભજન છે.

સનાતનનાં સ્વાભિમાન,ભારતનું ગૌરવ,સંત પરંપરાનાં આદર્શ બાપુનું અહીં આગમન કલ્યાણકારી છે:ગીતા મનિષીજી.

ગીતાનો આરંભ,મધ્ય અને અંત-ધર્મ શબ્દથી થયો છે.

મહાભારતનું મુખ,મૂળ અને કૂળ કૃષ્ણ છે.

ગીતાજીનો પાયો,પ્લીન્થ અને છત-ધર્મ છે.

ગીતા મનિષીજીએ અહીં ધર્મક્ષેત્ર,કુરુક્ષેત્ર,નર્મક્ષેત્ર અને વર્મક્ષેત્રનો સાથિયો બનાવ્યો છે.

આપણી યાત્રા જ આપણું અનુષ્ઠાન છે.

જીવન જ અનુષ્ઠાન છે.

 

ગીતા ગાનનાં કારણે હરિયાળી એવી હરિયાણાની ભૂમિ ઉપર નવમા દિવસની કથાના આરંભમાં ગીતા મનિષીએ પોતાનો શુભ ભાવ રાખતા કહ્યું કે:શ્રીમદ ભગવત ગીતાની ઉપદેશ સ્થળી ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્રમાં અત્યંત પાવનકારી દિવ્ય સંયોગ થયો.સનાતનનાં સ્વાભિમાન,ભારતનું ગૌરવ,સંત પરંપરાનાં આદર્શ બાપુનું અહીં આગમન થયું.ચાર વર્ષ પહેલાં આ જ ધરા,આ જ સ્થાન પર ‘માનસ ગીતા’નું ગાયન કરેલું માનસ અને ગીતાના ભાવનો અદભુત સંબંધ એ જ સ્મૃતિઓનાં રૂપમાં ફરી સાકાર થઈ રહ્યું છે.

બાપુએ ગીતા મનિષીજી ને કહ્યું કે કૃષ્ણનું સ્મરણ તો રહે જ છે.સમુદ્રને જ્યારે સરિતા મળે એ દ્રશ્ય બરાબર જુઓ તો દેખાશે કે સમુદ્ર તરંગીત,રત્નાકર, વિશાળ અને ખૂબ ઊંડો છે.એમાં શું નથી!પણ સરિતાઓ જેમ-જેમ નજીક આવે નદીઓ વિશેષ રૂપમાં તરંગીત બને છે,આનંદથી ભરાઈ જાય છે.તમે પણ ખૂબ મોટા રત્નાકર છો,અમારા હૃદયની નદીઓ વિશેષ તરંગીત થઈ રહી છે.

આ કુરુક્ષેત્ર,ધર્મક્ષેત્ર તો છે જ.ગીતાનો આરંભ,મધ્ય અને અંત ધર્મ શબ્દથી થયો છે.પાયો,પ્લીન્થ અને છત ધર્મ છે.આપે એને નર્મક્ષેત્ર-નર્મનો મતલબ છે આનંદ.ભગવાન કૃષ્ણએ આપને નિમિત બનાવ્યા છે મારા બોલનો ક્યારેક તોલ થશે ત્યારે આપે ધર્મક્ષેત્રને વર્મક્ષેત્ર-એટલે સુરક્ષિત બનાવ્યું છે.

હું સાથિયો કરવા નીકળ્યો છું.આપે પણ ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર,નર્મક્ષેત્ર અને વર્મક્ષેત્રનો પોતાનો સાથિયો બનાવ્યો છે.

જીવનને અથવા તો ભારતને આપણે સ્વસ્તિક કહીએ તો,ચાર યુગ એ ચાર રેખા છે,જેમાં સાધકનાં મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર ચાર ચાંદલા છે.

મારા દાદાનાં મોટાભાઈ વિષ્ણુ દેવાનંદ ગિરિજીએ પોસ્ટકાર્ડ લખીને કહેલું કે પરિવારજનો!ગીતાજીનો નિરંતર પાઠ કરજો.

જાને ક્યાં જાદુ ભરા હૂવા

ભગવાન તુમ્હારી ગીતામે

જુગ-જુગ કા અનુભવ જૂડા હુવા ભગવાન…

જબ શોક-મોહસે ઘીર જાયે,

તબ ગીતા બચન હૃદય લાયે

સારા ભવ સાગર તરા હૂવા,

મન ચમન હમારા હરા હુઆ ભગવાન તુમ્હારી..

મહાભારતનું મુખ,મૂળ અને કૂળ કૃષ્ણ છે.

અર્જુનનાં રથ ઉપર ધ્વજામાં બિરાજતા હનુમાનજીએ આખી ગીતા સાંભળી એટલે ગીતા પણ ચારે યુગમાં એનો પ્રતાપ બતાવે છે.

આપણી યાત્રા જ આપણું અનુષ્ઠાન છે.જીવન જ અનુષ્ઠાન છે.

સતયુગ ધ્યાનથી જોડાયેલો છે.જે ચિતવૃત્તિનો નિરોધ કરે છે.ત્રેતા બુદ્ધિથી,દ્વાપર પૂજાપાઠથી અને કળિયુગ અહંકારથી જોડાયેલ છે.

ભારત રૂપી સ્વસ્તિકનું કેન્દ્ર ભજન છે.આ ભજનનો કાળ છે.ગીતાનું ગાયન,પારાયણ ભજન છે.ભજનમાં ભંગ પડે,ક્ષરણ થાય,સ્ખલન થાય એના કારણોમાં ૧-ભજન વિમુખ વ્યક્તિનો સંગ.જે લોકો ભજનને પાગલપન,ઘેલછા કહે છે,પણ ભજન અમૃત છે. ભારત પણ જ્યારે ચિંતન,મનન અને ભજનથી દૂર થયું ત્યારે સ્વસ્તિકનો પાયો ફસકાયો છે.૨-ખૂબ બોલવાથી.૩-અકારણ ભીડનો હિસ્સો બનવાથી.૪-અતિનિદ્રાથી.૫-નિંદા કરે એમાં રુચિ રાખવાથી.૬-અતિ ભોજનથી. ૭-અતિક્રોધથી. ૮-અત્યંત વિલાસી જીવનથી.૯-જરૂરથી વધારે વસ્તુઓનો સંગ્રહ-ભજનથી દૂર કરે છે.

શંકરાચાર્યજીને મળ્યા ત્યારે એમણે ગરુડ પુરાણ, (અધ્યાય-૧,શ્લોક-૧૧) કહ્યો જેમાં કહ્યું છે કે ભગવાનનું નામ સુલભ છે,જીભ પણ આપણી વશમાં છે છતાં માણસ દુર્ગતિમાં શા માટે જાય છે એનું મોટું આશ્ચર્ય છે.

આજની કથા ગીતા મૈયાનાં ચરણમાં સમર્પિત થઇ.

કથા-વિશેષ:

દસમો પડાવ જ્યાં છે એ આપણી અટારી સીમા-વાઘા બોર્ડરનો નાનકડો ઇતિહાસ:

૧૯૪૭નું વર્ષ ભારતના ભાગલા અને રેડક્લિફ લાઇનના નિર્ધારણ સાથે સંકળાયેલું છે.

આ સ્થળ ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ,ભારતનાં પંજાબમાં અમૃતસરથી આશરે ૩૨ કિલોમીટર અને પાકિસ્તાનમાં લાહોરથી આશરે ૨૪ કિલોમીટર દૂર છે.

વિભાજન અને સરહદનો જન્મ (૧૯૪૭):

ઓગસ્ટ ૧૯૪૭માં ભારતનાં ભાગલા દરમિયાન, પંજાબ બે ભાગમાં વહેંચાયું હતું.

મહારાજા રણજીત સિંહના સેનાપતિ સરદાર શ્યામ સિંહ અટારીવાલાનું ગામ અટારી ભારતમાં આવ્યું, જ્યારે વાઘા ગામ પાકિસ્તાનમાં ગયું.

કામચલાઉ ચેક પોસ્ટની સ્થાપના (૧૧ ઓક્ટોબર, ૧૯૪૭):

ભારતના બ્રિગેડિયર મોહિન્દર સિંહ ચોપરા અને પાકિસ્તાનના બ્રિગેડિયર નઝીર અહેમદે ગ્રાન્ડ ટ્રંક રોડ પર સરહદનું સીમાંકન કરવાની જવાબદારી સંભાળી.

૧૧ ઓક્ટોબર, ૧૯૪૭ ના રોજ,ડ્રમ,પથ્થરો અને તંબુઓનો ઉપયોગ કરીને બોર્ડર પિલર નંબર-૧૦૨ નજીક એક કામચલાઉ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી હતી.

વિસ્થાપનનો માર્ગ:

ભાગલા દરમિયાન લાખો શરણાર્થીઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવાગમન માટે આ મુખ્ય માર્ગનો ઉપયોગ કર્યો હતો.

બીટિંગ રીટ્રીટ સમારોહ શરૂ થયો (૧૯૫૯):

દૈનિક બીટિંગ રીટ્રીટ લશ્કરી સમારોહ ૧૯૫૯માં બંને દેશોની સરકારોની સંમતિથી અહીં શરૂ થયો હતો.

તેમાં ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને પાકિસ્તાનના રેન્જર્સ દ્વારા દરરોજ સાંજે સૂર્યાસ્ત પહેલાં પરેડ અને ધ્વજ ઉતારવાની વિધિનો સમાવેશ થાય છે.

== સમાપ્ત ==

Related posts

સનાતન-હિન્દુ ધર્મનાં રક્ષક છત્રપતિ શિવાજીનાં કૂળદેવી મા તુલજા ભવાનીની શક્તિપીઠ પર યાત્રાકથાનું ગાન થયું.

amdavadlive_editor

HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઓમ 10.0 મેડિકલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીના ભવિષ્યને આગળ ધપાવશે

amdavadlive_editor

એક તહેવાર, અનેક અવસરઃ કોકા-કોલા ઇન્ડિયા આ તહેવારોની મોસમમાં તેની હાજરીનો વિસ્તાર કરે છે

amdavadlive_editor

Leave a Comment