શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે.
કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે.
ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે.
મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત નહીં,મધુસુદન આવશે.
આ પહેરણ એ હું નથી,શરીરનું ઢાંકણ છે.
દેહ પણ હું નથી એ આત્માનું ઢાંકણ છે,આને આત્મબોધ કહે છે.
આત્મબોધથી રાગ-દ્વેષ નષ્ટ થવા માંડે છે.
રાગ-દ્વેષ મટી જાય પછી કોઈ વિકારોની ચિંતા ન કરવી જોઈએ.
અખંડ રૂપે જ્યાં ભાગીરથિ ગંગા અને ભાગવતી ગંગા સમાંતરે વહી રહી છે એવા શુકતીર્થ પર વહેતી રામકથાની ધારા મંગળવારે ચોથા દિવસમાં પ્રવેશી.
એ કાળમાં અનેક ઋષિમુનિઓ આ પવિત્ર ભૂમિ ઉપર એકઠા થયેલા હતા.પરીક્ષિતના આયુષ્યમાં સાત દિવસ બાકી છે.કોણ-કોણ ઋષિમુનિઓ હતા એની આખી યાદી પણ મળે છે.પરીક્ષિત બધાનું સ્વાગત કરે છે.ઘણા જ પ્રશ્નો પરીક્ષિતે કથા દરમિયાન પૂછ્યા છે.પણ એક જ પ્રશ્ન જેને આપણે સાત વિભાગોમાં વિભાજિત કરી શકીએ.તેને શાસ્ત્રીય દ્રષ્ટિથી નહીં પણ સાધ્વીય દ્રષ્ટિથી જોઈએ ત્યારે અંતરંગ રહસ્યો ખુલે છે.
પરીક્ષિતને મૃત્યુનો ભય નથી.જીવ જ્યારે ભયભીત થાય છે ત્યારે કેટલીક વસ્તુઓ તેને સ્પર્શે છે.એક તો માણસ ચેનથી સુઈ શકતો નથી.સરખી રીતે ખાઈ શકતો નથી.દરેકે પોતાનો અનુભવ જૂઓ!ભયભીત હોય છે ત્યારે અશક્તિ અને કમજોરી આવે છે.આ શરીર તો રોગનું ઘર છે.ગીતાજી કહે છે:જન્મ મૃત્યુ જરા વ્યાધિ.જેથી પ્રતિકાર શક્તિ ઓછી થાય છે અને રોગ પ્રબળ બને છે.
પણ પરીક્ષિતને ભય જ નથી એટલે આમાંનું કાંઈ એમાં દેખાતું નથી.પરીક્ષિતને કોઈકની પ્રતીક્ષા છે એટલે એણે ઝપકી પણ લીધી નથી.પ્રત્યક્ષ રૂપમાં લાગે કે મૃત્યુની પરીક્ષા પ્રતીક્ષા છે પણ સાધ્વીય દ્રષ્ટિ થી લાગે છે કે મૃત્યુ જ પરમાત્મા છે.સતમાં પણ એ અસતમાં પણ એ-એવો ગીતાનો ઘોષ છે.
પરીક્ષિતને ખબર છે કે મૃત્યુ આવશે તો કૃષ્ણના રૂપમાં આવશે.મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત નહીં આવે મધુસુદન આવશે.મૃત્યુને એ માધવ અને તક્ષકમાં ત્રિભુવન જોતો હતો.બહાનું કોઈ પણ હોય પણ આવશે તો એ જ! એટલે પરીક્ષિત અભય છે.સાધુ પણ નિર્ભય હોવો જોઈએ. આ ઉજાગરો નહીં જાગરણ છે.પરીક્ષિતને ભૂખ નથી લાગતી કારણકે શુકદેવજીનાં મુખથી વહેતું કથામૃત જેને કારણે શરીર પણ કમજોર થયું નથી.એક-એક દિવસે આત્માબોધ જ થવા માંડ્યો.આત્મજાગરણ (સેલ્ફ અવેરનેસ)એટલે શું?આ મારું પહેરણ છે,પણ આ પહેરણ એ હું નથી,શરીરનું ઢાંકણ છે.દેહ પણ હું નથી કે આત્માનું ઢાંકણ છે.આને આત્મબોધ કહે છે. આત્મબોધથી રાગ-દ્વેષ નષ્ટ થવા માંડે છે.રાગ-દ્વેષ મટી જાય ત્યારે પછી કોઈ વિકારોની ચિંતા ન કરવી જોઈએ.
મારા આટલા વર્ષોની મહેનત,મારા માટે અને આપને કામમાં આવે તો આપવા માટે પણ છે.શંકરાચાર્યજી એ જ લખે છે:ન મે દ્વેષરાગૌ
જાણવા યોગ્યને જાણી લેવું એ જ્ઞાનયોગ છે. આપણા ભાગમાં આવેલું કર્મ કરી લેવું એ કર્મયોગ છે.જેને પામી લેવો છે એને પૂરેપૂરો પામી લેવો એ ભક્તિયોગ છે.
ભાગવત કથાથી ક્રમશઃ આત્મજાગૃતિ થવા માંડે છે. પરમાત્માની કથા પુષ્ટ કરે છે.
શબ્દ પણ ઔષધિ છે.સ્પર્શ પણ ઔષધિ છે. ગોપીઓ પ્રવૃત્તિ પરક નહીં,નિવૃત્તિ પરક પણ નહીં માત્ર પ્રપત્તિ પરક એટલે કે શરણાગતિનું લક્ષણ છે. જે હાથ આપે શ્રી-એટલે સીતાજી અને લક્ષ્મીજીને આપ્યા છે-એ હાથ અમને અભય કરે છે એવું ગોપીઓ કહે છે.
તુલસીજીની વિનય પત્રિકામાં પણ આ જ પ્રકારનું પદ મળે છે.
વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે.કોઈનું દર્શન-રૂપ પણ ઔષધિ છે. કથારસ,પ્રેમરસ,નામરસ પણ ઔષધિ છે.ગંધ (ડિવાઇન સ્મેલ)પણ ઔષધિ છે.
ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે.એના અંતે માત્ર અશ્રુપાત છે.
અભય ત્રણ-ચાર વસ્તુથી આવે છે.મૂળમાં તો સત્યથી અભય આવે છે.નિર્દંભ,નિષ્કપટ થવાથી અભય આવે છે.એની શરણાગતિમાં જાય છે ત્યારે અભય આવે છે.ગુરુનો હાથ પકડવાથી અભય આવે છે.
સાંપ્રત સ્થિતિની વાત કરતા બાપુએ કહ્યું કે મમતાજી આવે કે સમતાજી સનાતન ધર્મની નિંદા ન થવી જોઈએ.રામાયણના પાત્રો પ્રત્યે દ્વેષ? એક ગ્રુપ વાળાએ તો હમણાં એવું પણ કીધું કે ગણપતિ એમના જે ઈશ્વર છે એના માસિયાય ભાઈ છે! તમારી માસી કોણ છે એ તો પહેલા શોધો!
વેદોમાં હિંસા ન હતી પરંતુ પાછળથી તથાકથિત માણસોએ ક્ષેપક દ્વારા એમાં ઉમેરી છે.
વિશ્વાસ(શિવ),શ્રદ્ધા(પાર્વતી)નાં મિલનથી કથારૂપી કન્યાકુમારી(કથા કાયમ કુંવારી છે,નીત નુતન છે). કથાથી રામ પ્રાગટ્ય,રામ પ્રાગટ્યથી ચરિત્ર પ્રગટ થાય,એમાંથી શીલ અને શીલના પ્રાગટ્યથી સાધકને કોઈ પરાજિત કરી શકતું નથી.
રામજન્મનાં કારણોની કથા શિવજીએ કહી.પૃથ્વી ગાયનું રૂપ લઈને પ્રાર્થના કરે છે.આકાશવાણી થઈ કે હું અવતાર ધારણ કરીશ.દશરથના આંગણમાં,મા કૌશલ્યાની કૂખે રામનું અવતરણ થાય છે.બાળરામ પ્રગટ થાય છે એ બધી જ પંક્તિઓનું ગાયન કરીને રામ પ્રાગટ્ય કરી,ત્રિભુવનને રામ જન્મની અનેક વધાઇ સાથે કથાને વિરામ અપાયો.

