ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: ગત થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીર ના પૂંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડયો હતો અને તેમાં ત્રણ જવાનોના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનોની વીરગતિને વંદન કરી તેમના પરિવારજનોને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા સેના વેલફેર ફંડમાં મોકલવામાં આવશે. અન્ય ઘટનામાં ચલાલા નજીક મીઠાપુર ગામે ચાર યુવકોનાં ડૂબી જતાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. ચલાલા સ્થિત રામકથાના શ્રોતા શ્રી લવકુબાપુ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.
ખેડબ્રહ્મા નજીક હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે થયેલ અકસ્માતમાં ૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. ખેડબ્રહ્મા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ સેવા પહોંચતી કરવામાં આવશે. મહુવાના વડલી બાયપાસ પર ઉમણીયાવદરના યુવકનું મોત નિપજ્યું હતું તેના પરિવાર ને પણ ૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.