ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂ. ૨૦૦ કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણી ના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં “કેકે જ્વેલ્સ” બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે.
૨૦૦૬માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા, કાબરા જ્વેલ્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે, તેમણે તેમની ટીમને આ ઈનામ આપવાનું પસંદ કર્યું.
કૈલાશ કાબરા એ જણાવ્યું કે, “અમે માત્ર ૧૨ સભ્યો સાથે રૂ. ૨ કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી. આજે અમારી ટીમ ૧૪૦ સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૨૦૦ કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે. આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ ન હોત. હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતાં આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતથી કાબરા જ્વેલ્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો.”
કૈલાશ કાબરા એ ૨૦૦૬થી તેમની સાથે જોડાયેલા ૧૨ ટીમ મેમ્બર્સને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i10, હ્યુન્ડાઈ એક્સ્ટર, મારુતિ સુઝુકી એર્ટિગા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપી છે. આ પહેલ સુરતના હીરા વેપારી સાવજી ધોળકિયાથી પ્રેરિત છે, જેઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટરસાયકલ સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે.
ગાડીઓ ઉપરાંત, કૈલાશ કાબરાએ આ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોન, પરિવાર સાથે રજાઓ, તેમજ સોનાં-ચાંદીના સિક્કાઓ ભેટ આપી હતી.
“મારા પિતા, કાકા અને દાદા મારા મેન્ટોર છે, અને મારા બિઝનેસ ગુરુ શ્રી ગણપતજી ચૌધરીએ મને ‘અર્ન એન્ડ રીટર્ન’ (earn and return) નું મહત્વ શીખવ્યું. મને તેમની શિખામણોનું પાલન કરવાનો ગર્વ છે,” એમ શ્રી કાબરા એ ઉમેર્યું હતું.
કાબરા જ્વેલ્સ મુખ્યત્વે છૂટક જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલ છે અને તે સોનાં, હીરાં અને ચાંદીના આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે. કંપની વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇન અને વેચાણ કરે છે, જેમાં શુભ પ્રસંગોની, ખાસ કરીને લગ્ન સંબંધિત જ્વેલરી સૌથી વધુ વેચાતી શ્રેણી છે. તે ડેઇલી-વેર જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવે છે. હાલમાં, કંપની અમદાવાદમાં ૭ શોરૂમ સંચાલિત કરે છે અને ગુજરાતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે. કંપની ત્રણ મહિના પહેલા સફળ IPO લઈને આવી હતી.