31.9 C
Gujarat
June 19, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જ્ઞાન થિયરી છે, વિજ્ઞાન પ્રેક્ટીકલ છે.

નિર્ગુણને સમજવો સહેલો છે,સગુણને સમજવા ખૂબ મુશ્કેલ છે.

જેની સાબિતી મળી જાય એ પરમાત્મા જ નથી.

તુલસીજી જેટલું સગુણ અને નિર્ગુણ શુદ્ધ ભાવથી સિદ્ધ કરનાર હજી સુધી મેં જોયા નથી:બાપુ.

જે જ્ઞાન નૃત્ય નથી કરતું એ પંગુ છે.

 

કોલોનીઅલ સભ્યતાનો ઇતિહાસ સાચવીને બેઠેલી

કેરલમની કોચિની ભૂમિ પર ચાલતી રામકથા શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશી ત્યારે વિવિધ જિજ્ઞાસાઓથી કથા શરૂ કરતા કહ્યું જ્ઞાન અને વિજ્ઞાનમાં શું અંતર છે?ખૂબ ટૂંકમાં કહીએ તો જ્ઞાન થિયરી છે,વિજ્ઞાન પ્રેક્ટીકલ છે.જ્ઞાન સમાન કોઈ પવિત્ર નથી એવું ગીતા કહે છે અને આપણા જીવનમાં એ પ્રતિષ્ઠિત કરવા માટે પ્રયોગ કરે છે. જ્ઞાન અનંત છે,એ જ બ્રહ્મ છે.ગાંધીજી કહેતા સંવેદના વગરનું વિજ્ઞાન સામાજિક પાપ છે.

૭૫૦૦ લોકોનાં મૃત્યુ,લાખો ડોલરના વ્યય પછી સારું થયું કે શાંતિની સમજૂતી થઈ,આ વિજ્ઞાનના સાધનોથી લડાઈ થઇ હતી.રામચરિત માનસ કહે છે જ્ઞાન મોક્ષ આપે છે,બિલકુલ માન શુન્યતા એ જ્ઞાન છે.જ્ઞાન ખડગની ધાર છે,દીપ છે.દીપ પ્રગટાવવા માટે દૂધ દોહવું પડે,દહીં બનાવવું પડે,મંથન કરીને માખણ પછી નવનીતમાંથી ઘી કાઢવું પડે-આ પ્રેક્ટીકલ છે. મૃત્યુની મિમાંસા મહાભારતથી ભગવત ગીતા, ગોરખનાથ,કબીર બધા જ કરે છે.

ઘણા મહાપુરુષોનું આખું જીવન ખૂબ સારી રીતે વિત્યા પછી મૃત્યુ ખૂબ જ ખરાબ રીતે થયું હોય. એનું પ્રમાણ છે:મહાભારત.કુંતા માતા કોઈ મહાન સ્ત્રી નથી,પણ મૃત્યુ?વનમાં આગ લાગે છે,ભાગી રહી છે.મહાત્મા વિદુર મૃત્યુ વખતે પોતાના કપડાં ફાડી રહ્યા છે!ભીષ્મ મહાપુરુષ છે,ઈચ્છા મૃત્યુ સુધી સહન કરે છે.કર્ણ સૂર્યનો પુત્ર પણ મોત ભયાનક, ધુતરાષ્ટ્રનું મૃત્યુ,કૃષ્ણનું મૃત્યુ,ભલે લીલા કહીએ પણ બધાના મોત ખૂબ ખરાબ દેખાય છે.

સામે એવા મૃત્યુ પણ છે કે જેનું જીવન કોઈ આદર્શ નથી બની શક્યું.છતાં મૃત્યુ વખતે એ ખાટી ગયા છે. આવી ૧૧ વ્યક્તિઓ રામચરિત માનસમાં દેખાડી છે તાડકા,સુબાહુ,વાલિ,કુંભકર્ણ,અક્ષય કુમાર,રાવણ વગેરેનાં મૃત્યુ સારા હતા.નચિકેતાનું મૃત્યુની વિદ્યાને દાન કર્યું છે.મૃત્યુ એક વિદ્યા પણ છે.

તુકારામ કહે છે કે મેં મારું મરણ મારી આંખેથી જોયું છે,મારા માટે આ અનુપમ ઉત્સવ બની ગયું.

ભદ્રાયુ વચ્છરાજાનીએ એનાં ધર્મપત્નીનાં મૃત્યુને મહોત્સવ બનાવ્યો એનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે રંગબેરંગી કપડા અને પ્રસાદી આપેલી.વિદાયનું પણ સન્માન થવું જોઈએ.

નિર્ગુણને સમજવો ખૂબ સહેલો છે,સગુણને સમજવા ખૂબ મુશ્કેલ છે.નિર્ગુણ અને સગુણને સારી સમજવા હોય તો તુલસીની દોહાવલિ વાંચવી જોઈએ.તુલસીજી કહે છે અજ્ઞાનને સમજ્યા વગર જ્ઞાનનું કથન કરે,અંધારાને સમજ્યા વગર પ્રકાશનું કથન કરે અને સગુણને સમજ્યા વગર અગુણનું કથન કરે એ તો કદાચ મારો ગુરુ લાગે છે! તુલસીજી જેટલું સગુણ અને નિર્ગુણ શુદ્ધ ભાવથી સિદ્ધ કરનાર હજી સુધી મેં જોયો નથી.ચેકબુકમાં આંકડાઓથી ગરબડ કરી શકીએ પણ શબ્દોથી,આખર-અક્ષરમાં ગરબડ કરી શકાતી નથી.

ઘણા લોકો સગુણ-નિર્ગુણમાં આખી જિંદગી કાઢી નાખે છે.બુદ્ધનો સાક્ષીભાવ,ધ્યાન અને મીરાંનું સમર્પણ-એ અલગ નથી.મૂળમાં એક છે,દેખાય છે બે.બુધ્ધ અપ્પદીપો ભવ કહે છે.દીવામાં જે ઘી-સ્નેહ ભક્તિ-એ સમર્પણ છે.જે જ્ઞાન નૃત્ય નથી કરતું એ પંગુ છે.નૃત્ય વિવેક છોડી દે એ નૃત્ય નથી.

પરમાત્મા છે એની સાબિતી કઈ?બાપુએ કહ્યું કે જેની સાબિતી મળી જાય એ પરમાત્મા જ નથી. આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ ચલાવનાર પરમાત્મા છે,આ પરમાત્માની પ્રતીતિ છે.

સંક્ષિપ્તમાં સિતારામજીના વિવાહ,જનકની વાટિકાનો પ્રસંગ,પછી વિશ્વામિત્રની અયોધ્યાંમાંથી વિદાયનું વર્ણન કરીને બાલકાંડનું સમાપન કરવામાં આવ્યું.

Box:

સત્ય,પ્રેમ,કરુણાંમાં રહેલી છ-છ વસ્તુઓ

કેનોપનિષદનો એક મંત્ર:

તસ્યૈ તપો દમ: કર્મેતિ પ્રતિષ્ઠા

વેદા:સરવાંગાનિ સત્યમાયતનમ્

આ છ વસ્તુ:તપ,દમ,કર્મ,વેદ,વેદાંત અને પ્રતિષ્ઠા ક્યાં રહે છે?એનું નિવાસસ્થાન છે:સત્ય.

સત્ય ન હોય તો આનો કોઈ અર્થ રહેતો નથી.

પ્રેમમાં પણ છ વસ્તુ રહે છે:ગુણરહિતતા,કામના રહિતતા,નિરંતર વર્ધમાનપણું, અવિક્ષણતા, સૂક્ષ્મતરતા અને અનુભવરૂપતા.

એ જ રીતે કરુણામાં પણ છ વસ્તુ:મૌન,અહિંસા, અશ્રુ,આર્તનાદ,અમૃત અને અહોભાવ નિવાસ કરે છે.

== સમાપ્ત ==

Related posts

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ આધ્યાત્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

amdavadlive_editor

સ્પાઇસજેટે 15 નવેમ્બરથી આઠ નવી ફ્લાઇટના લોંચ સાથે ઘરેલુ નેટવર્કનું વિસ્તરણ કર્યું

amdavadlive_editor

કર્ણાવતી યુનિવર્સિટીએ 37મી ઓલ-ઇન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી મૂટ કોર્ટ કોમ્પિટિશનનું આયોજન કર્યું

amdavadlive_editor

Leave a Comment