November 25, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

રિલેપ્સ્ડ/રિફ્રેક્ટરી મલ્ટિપલ માયલોમાની સારવાર માટે GSK દ્વારા CDSCO-મંજૂર BLENREP લોન્ચ

— અગાઉ ઓછામાં ઓછી એક વખત સારવાર લઈ ચૂકેલા પુખ્ત વયના મલ્ટિપલ માયલોમાના દર્દીઓમાં રોગ ફરી ઊથલો માર્યો હોય અથવા અગાઉની સારવારની અસર ન થઈ હોય તેવા કિસ્સાઓમાં સંયુક્ત ઉપચાર પદ્ધતિ તરીકે ઉપયોગ માટે BLENREPને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.

— મલ્ટિપલ માયલોમા વૈશ્વિક સ્તરે બ્લડ કેન્સરનો બીજો સૌથી સામાન્ય પ્રકાર છે. વર્ષ 2024માં વિશ્વભરમાં તેના 1,96,000થી વધુ નવા કેસ નોંધાયા હતા, જેમાં ભારતમાં નોંધાયેલા 17,529 નવા કેસનો પણ સમાવેશ થાય છે. આ રોગની સારવાર શક્ય છે, પરંતુ સામાન્ય રીતે તેને સંપૂર્ણપણે મટાડી શકાય તેવો રોગ માનવામાં આવતો નથી.

— BLENREPનું લોન્ચિંગ ભારતમાં GSKની ત્રીજી પ્રિસિઝન ઓન્કોલોજી (લક્ષિત કેન્સર સારવાર) થેરાપીની રજૂઆત દર્શાવે છે. આ સાથે, જ્યાં કેન્સરની અદ્યતન સારવારની જરૂરિયાત હજુ સંતોષાઈ નથી તેવા ક્ષેત્રોમાં આધુનિક સારવારની સુલભતા વધારવાની GSKની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.

— આ થેરાપીને DREAMM-7 અને DREAMM-8 નામના તબક્કા-3ના ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી મળેલા મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓનું સમર્થન પ્રાપ્ત છે. આ અભ્યાસોના પરિણામો અનુસાર, હાલની પ્રમાણભૂત સારવાર પદ્ધતિની સરખામણીએ રોગની પ્રગતિ વિના દર્દીનો સમયગાળો (Progression-Free Survival) લગભગ ત્રણ ગણો વધુ જોવા મળ્યો છે.


મુંબઈ | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (GSK ઇન્ડિયા)એ ભારતમાં BLENREP (બેલેન્ટામેબ માફોડોટિન) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ દવાનો ઉપયોગ અગાઉ ઓછામાં ઓછી એક વખત સારવાર લઈ ચૂકેલા અને રોગ ફરી ઊથલો માર્યો હોય અથવા અગાઉની સારવારની અસર ન થઈ હોય તેવા પુખ્ત વયના મલ્ટિપલ માયલોમાના દર્દીઓ માટે સંયુક્ત સારવાર પદ્ધતિ તરીકે કરવામાં આવશે. મલ્ટિપલ માયલોમાની સારવાર માટે B-સેલ મેચ્યોરેશન એન્ટિજેન (BCMA)ને લક્ષ્ય બનાવતી વિશ્વની પ્રથમ મંજૂર એન્ટિબોડી-ડ્રગ કન્જુગેટ (ADC) થેરાપી તરીકે BLENREP ભારતીય દર્દીઓ માટે સારવારનો એક નવો વિકલ્પ રજૂ કરે છે. આ સાથે, DREAMM ક્લિનિકલ પ્રોગ્રામ હેઠળ હાથ ધરાયેલા મહત્ત્વપૂર્ણ અભ્યાસોમાંથી પ્રાપ્ત થયેલા મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે વિકસિત આ નવીન સારવારની ઉપલબ્ધતા પણ વિસ્તરશે. મલ્ટિપલ માયલોમા વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે એક મોટો પડકાર બની રહ્યો છે. GLOBOCANના આંકડા અનુસાર, વર્ષ 2024માં વિશ્વભરમાં મલ્ટિપલ માયલોમાના 1,96,000થી વધુ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કેન્સરના કુલ નવા કેસોમાં મલ્ટિપલ માયલોમાનું પ્રમાણ 1.1 ટકા છે. જોકે, વધતી જતી આયુષ્યમર્યાદા, આરોગ્યસેવાઓમાં સુધારો અને ઝડપી શહેરીકરણને કારણે ભવિષ્યમાં મલ્ટિપલ માયલોમાના કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતમાં મલ્ટિપલ માયલોમાની સારવાર સામેના પડકારો વધુ જટિલ છે. પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં દર્દીઓમાં આ રોગનું નિદાન લગભગ એક દાયકા વહેલું થાય છે. આ રોગમાં વારંવાર રિલેપ્સ (રોગનું ફરી ઊથલો મારવો) થવાની સંભાવના હોવાથી લાંબા સમય સુધી રોગ પર નિયંત્રણ જાળવી શકે તેવી અસરકારક સારવારની જરૂરિયાત ઊભી થાય છે. બીજી તરફ, ભારતમાં વિવિધ શહેરો અને પ્રદેશોમાં વિશેષ તબીબી સુવિધાઓ તથા આધુનિક આરોગ્ય માળખાની ઉપલબ્ધતામાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. તેથી ઓન્કોલોજી સારવારની વિવિધ સુવિધાઓમાં આપી શકાય તેવા સારવારના વિકલ્પો પણ જરૂરી બને છે. BLENREP આધારિત સંયુક્ત સારવાર પદ્ધતિઓ રિલેપ્સ્ડ અથવા રિફ્રેક્ટરી મલ્ટિપલ માયલોમાથી પીડિત દર્દીઓના વ્યાપક વર્ગમાં રોગ પર નોંધપાત્ર અને લાંબા સમય સુધી નિયંત્રણ જાળવવાની ક્ષમતા દર્શાવીને આ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે.

BLENREPને DREAMM (Driving Excellence in Approaches to Multiple Myeloma) ક્લિનિકલ પ્રોગ્રામ હેઠળ હાથ ધરાયેલા વ્યાપક અભ્યાસોના પરિણામોનું સમર્થન પ્રાપ્ત છે. જેમાં મહત્ત્વપૂર્ણ DREAMM-7 અને DREAMM-8 તબક્કા-3ના અભ્યાસોનો સમાવેશ થાય છે. બંને અભ્યાસોમાં રિલેપ્સ્ડ અથવા રિફ્રેક્ટરી મલ્ટિપલ માયલોમાની બીજી અને ત્યારપછીની સારવારમાં BLENREP આધારિત સંયુક્ત સારવાર પદ્ધતિઓએ રોગની પ્રગતિ વિના જીવિત રહેવાના સમયગાળા (Progression-Free Survival – PFS)માં તબીબી દૃષ્ટિએ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. આ ઉપરાંત, એકંદર જીવિત રહેવાના સમયગાળા (Overall Survival)ના પરિણામો પણ પ્રોત્સાહક રહ્યા છે.

DREAMM-7 અભ્યાસમાં BLENREP આધારિત સારવાર પદ્ધતિ [BLENREP સાથે બોર્ટેઝોમિબ અને ડેક્સામેથાસોન (BorDex)] હેઠળ દર્દીઓમાં રોગની પ્રગતિ વિના જીવિત રહેવાનો સરેરાશ સમયગાળો 36.6 મહિના નોંધાયો હતો. તેની સરખામણીએ ડારાટુમુમાબ આધારિત સારવાર પદ્ધતિ [ડારાટુમુમાબ સાથે BorDex] હેઠળ આ સમયગાળો 13.4 મહિના રહ્યો હતો. આ રીતે સરખામણી કરવામાં આવેલી સારવાર પદ્ધતિની તુલનામાં રોગની પ્રગતિ અથવા મૃત્યુનું જોખમ 59 ટકા ઘટ્યું હતું.

તેવી જ રીતે, DREAMM-8 અભ્યાસમાં BLENREP (બેલેન્ટામેબ માફોડોટિન) સાથે પોમાલિડોમાઇડ અને ડેક્સામેથાસોન (PomDex)ના સંયોજનથી સારવાર મેળવતા દર્દીઓમાં રોગની પ્રગતિ વિના જીવિત રહેવાનો સરેરાશ સમયગાળો 32.6 મહિના નોંધાયો હતો. જ્યારે સરખામણી માટેની સારવાર પદ્ધતિ [બોર્ટેઝોમિબ સાથે PomDex] હેઠળ આ સમયગાળો 12.5 મહિના રહ્યો હતો. આ અભ્યાસમાં પણ સરખામણીની સારવાર પદ્ધતિની તુલનામાં રોગની પ્રગતિ અથવા મૃત્યુનું જોખમ 51 ટકા ઓછું જોવા મળ્યું હતું.

GSK ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ અક્ષીકરે જણાવ્યું હતું કે, “ભારતમાં કેન્સરનું વધતું પ્રમાણ દર્દીઓ, તેમના પરિવારો અને દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થા પર સતત વધતું દબાણ ઊભું કરી રહ્યું છે. આ પરિસ્થિતિ અદ્યતન સારવારના વિકલ્પોમાં સતત નવીનતા અને તેની વ્યાપક સુલભતાની જરૂરિયાતને વધુ મજબૂત બનાવે છે. GSKમાં અમારો ઉદ્દેશ્ય એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને, જ્યાં સારવારની અપૂર્ણ જરૂરિયાતો છે, વિજ્ઞાન આધારિત વિશિષ્ટ નવીનતાઓ દ્વારા કેન્સરની સારવારની દિશા બદલવાનો છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગયા વર્ષે અમે સોલિડ ટ્યુમર્સની સારવાર માટે Jemperli અને Zejula સાથે ભારતમાં ઓન્કોલોજી ક્ષેત્રે અમારી સફરની શરૂઆત કરી હતી. BLENREPના લોન્ચ સાથે હવે અમે હેમેટો-ઓન્કોલોજી ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ અને અદ્યતન તબક્કાના કેન્સરથી પીડિત વધુ દર્દીઓ સુધી અમારી પ્રતિબદ્ધતાનો વિસ્તાર કરી રહ્યા છીએ. મલ્ટિપલ માયલોમા સાથે જીવન જીવતા દર્દીઓ માટે સારવાર દરમિયાન રોગનું વારંવાર ફરી ઊથલો મારવો એ એક પડકારજનક વાસ્તવિકતા છે. આવા દર્દીઓને તેમની સારવારના દરેક તબક્કે સહયોગ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

ક્લિનિકલ અસરકારકતા ઉપરાંત, BLENREP સારવારની સુવિધાજનક અને લવચીક પદ્ધતિ પણ પ્રદાન કરે છે. આ થેરાપી માત્ર 30 મિનિટના ટૂંકા સમયગાળામાં ડે-કેર એટલે કે બહારના દર્દી તરીકે ઇન્ફ્યુઝન દ્વારા આપી શકાય છે. આ માટે ફરજિયાત હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે, નિયમિત ક્લિનિકલ પ્રેક્ટિસમાં દર્દીઓ માટે અદ્યતન સારવાર વધુ સુલભ બની શકે છે.

GSK ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ – મેડિકલ અફેર્સ ડૉ. શાલિની મેનને જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકામાં ઓન્કોલોજી ક્ષેત્રમાં થયેલા સૌથી મહત્ત્વપૂર્ણ વિકાસમાંનો એક રોગની જૈવિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સારવાર પદ્ધતિઓનો ઉદય છે. BLENREPની વિશેષતા તેની અલગ અને નવીન કાર્યપદ્ધતિમાં રહેલી છે. તે એક તરફ મલ્ટિપલ માયલોમા સામે સીધી અસર કરે છે અને બીજી તરફ શરીરની રોગપ્રતિકારક શક્તિનો અસરકારક ઉપયોગ કરે છે. આ બંને પ્રક્રિયાના પરિણામે રોગ પર ઊંડું અને લાંબા સમય સુધી નિયંત્રણ મેળવવામાં મદદ મળે છે. ભારતના દર્દીઓ માટે આ કેન્સરની સારવાર ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે.”

BLENREPની સલામતી અને સહનશીલતાની રૂપરેખા સારી રીતે સ્થાપિત થયેલી છે. તેની સાથે આંખોને લગતી કેટલીક આડઅસરો થઈ શકે છે, જેની અસર અગાઉથી જાણી શકાય તેવી અને સામાન્ય રીતે ઉલટાવી શકાય તેવી હોય છે. સારવારની પ્રક્રિયામાં શરૂઆતથી જ સામેલ કરવામાં આવેલા સ્થાપિત ડોઝમાં ફેરફારના પ્રોટોકોલ દ્વારા આ આડઅસરોનું વ્યવસ્થાપન કરી શકાય છે. આ ઉપરાંત, પાત્રતા ધરાવતા દર્દીઓ GSKના ‘ફિનિક્સ પેશન્ટ સપોર્ટ પ્રોગ્રામ’નો લાભ લઈ શકે છે, જે સારવારનો ખર્ચ પરવડે તેવો બનાવવામાં અને તેની સુલભતા વધારવામાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

રસીકરણ થકી દિકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસી. ગર્વનર અમદાવાદ-ગાંધીનગર દ્વારા ‘રોટરી ગરબા ૨૦૨૫’નું ભવ્ય આયોજન

amdavadlive_editor

ક્લાસિક લિજેન્ડ્સે પ્રતિષ્ઠિત જાવા, યેઝદી મોટરસાઇકલની કિંમત રૂ. 2 લાખથી નીચે રાખી છે, રાઇડર્સ પર જીએસટી 2.0ના સંપૂર્ણ લાભ આપ્યા

amdavadlive_editor

GE એરોસ્પેસએ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની વૃદ્ધિને પહોંચી વળવા માટે સહાય કરવા દેશમાં સપ્લાયર ખર્ચને આશરે બમણો કરવાની ઘોષણા કરી

amdavadlive_editor

Leave a Comment