32.9 C
Gujarat
May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારીબાપુએ રાજગીરની ધરતી પર રામકથાનો શુભારંભ કર્યો

બાલકાંડની ઉપરની બંને ચોપાઇઓને કેન્દ્રમાં રાખીને મોરારીબાપુએ રાજગીરની ધરતી પર  રામકથા નો શુભારંભ કર્યો.
પૂજ્ય બાપુએ જણાવ્યું કે હું અહીં માત્ર પ્રવચન કરવા નહીં પણ આ પવિત્ર ધરતીને પ્રણામ  આવ્યો છું અને પ્રણામ કર્યા પછી મને જે પ્રસાદ પ્રાપ્ત થશે એને હું પ્રવચન રૂપે વહેંચીશ. હું આ ભૂમિ પર થોડો સ્વાધ્યાય કરવા આવ્યો છું. ઉપનિષદ કહે છે કે સ્વાધ્યાય વિના પ્રવચન ન થઈ શકે, એટલે આ વિદ્યા ભૂમિને પ્રણામ કરી, પછી સ્વાધ્યાય કરી અને મને જે પ્રસાદ પ્રાપ્ત થશે, એ પ્રવચન રૂપે આપ સૌને વહેંચીશ.
બાપુએ કહ્યું કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેં કથા કરી છે અને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ હવે કથા કરવાનો છું. પરંતુ નાલંદા યુનિવર્સિટીમાં કથા કરવાનો આનંદ કંઇક જુદો જ છે.  બાપુએ કહ્યું કે તુર્કી આક્રમણખોરોએ આ ભૂમિની ઈમારતને તોડી નાખી પણ આપણા એતબારને તેઓ તોડી શક્યા નથી. એમણે આપણા ગ્રંથાલયને આગ લગાડીને બધું જ ભસ્મીભૂત કરી નાખ્યું પરંતુ આ આગ આજે પણ બુઝાઈ નથી – એ ધર્મની આગ છે, એ વિદ્યાની આગ છે, સાધનાની આગ છે!
ચીની યાત્રીએ લખ્યું છે કે અહીંયા જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા આવતા, એની પહેલી પરીક્ષા દ્વાર પર જ  લેવામાં આવતી હતી અને પછી જેવો વિદ્યાર્થી વિદ્યાપીઠની ભીતર પ્રવેશે એટલે વિદ્યા સામેથી એની પાસે આવતી, એવું એ અનુભવતો.  મને લાગે છે કે માનસની પંક્તિઓ શતાબ્દીઓ પછી સાર્થક થઈ રહી છે, કારણ કે જે પંક્તિ આપણે કેન્દ્રીય વિષય તરીકે લીધી છે એમાં તુલસીદાસજી કહે છે કે “અલપ કાલ વિદ્યા સબ આઈ” – વિદ્યા આવી છે, એને મેળવવી નથી પડી!
નાલંદાનો અર્થ આપતા પૂજ્ય બાપુએ કહ્યું કે नालम् ददाति इति नालंदा। નાલમ્ નો અર્થ થાય છે કમલ ની દાંડી. અને કમલ અસંગતાનું પ્રતીક છે. વિદ્યા એ છે, જે અસંગ કરે, આસક્ત કરે એ વિદ્યા નથી. નાલંદા જ્ઞાનપીઠ છે, વિદ્યાપીઠ છે, વ્યાસપીઠ પણ છે. ભગવાન બુદ્ધની અહીં ચરણપીઠ પણ છે. નજીકમાં જ ભગવાન મહાવિરની ભૂમિ વિરાયતન તન પણ છે.
બાપુએ વિરાયતનનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીં સ્વચ્છતા પણ છે અને પવિત્રતા પણ છે. આપણાં દેશમાં સ્વચ્છતાનું અભિયાન તો સફળતાથી ચલાવવામાં આવ્યું પણ આપણે હવે પવિત્રતાનુ અભિયાન ચલાવવું પડશે.
નાલંદા વિદ્યાપીઠના સંદર્ભમાં બાપુએ કહ્યું કે માનસમાં નવ વિદ્યાપીઠનો ઉલ્લેખ છે. એ સમયમાં વિદ્યાપીઠને ગુરુકુળ કહેતા. સૌથી પહેલી વશિષ્ઠ મહારાજની વિદ્યાપીઠ. જે સ્વયં વિદ્યાના નિધિ છે, એવા ભગવાન રામ પણ ત્યાં વિદ્યા પામ્યા છે. વશિષ્ઠજી શાસ્ત્રની વિદ્યા આપે છે. વશિષ્ઠજીનું વિદ્યાલય વિશિષ્ટ છે અને વરિષ્ઠ છે. પછી ભગવાન રામ વિશ્વામિત્રના શુદ્ધાશ્રમમાં જાય છે, જ્યાં તેને શસ્ત્રની સાથે શાસ્ત્રની વિદ્યા પણ મળે છે એ વિશ્વામિત્રજીની વિદ્યાપીઠ છે. ત્રીજી વિદ્યાપીઠ છે ભગવાન પરશુરામની, જે મહેન્દ્રગીરી પર્વત ઉપર હતી. ચોથી વિદ્યાપીઠ છે પ્રયાગની – મહારાજ ભારદ્વાજજીની વિદ્યાપીઠ. પાંચમી મહર્ષિ ગૌતમની વિદ્યાપીઠ હતી, જે ભગવાન રામના ચરણ પડ્યા પછી પુન: કાર્યરત થઈ હતી. એ પછી વાલ્મિકીજીની વિદ્યાપીઠ, જેમાં બધા વેદ, વિદ્યા અને વાદ્યની શિક્ષા અપાતી હતી.  શૂન્યથી લઈને પૂર્ણતા સુધીની વિદ્યા આપનારી વાલ્મિકીજીની વિદ્યાપીઠ હતી.  મહર્ષિ કુંભજની  વિચારોની વિદ્યાપીઠ છે. એમણે રામને વૈશ્વિક વિચાર આપ્યા છે.  ઉજાજૈનનું મહાકાળનું મંદિર પણ એક યુનિવર્સિટી છે, જ્યાં પરમ સાધુ પુરુષ શિક્ષા અને દીક્ષા આપે છે. અને મેરુ પર્વતના શિખર ઉપર લોમસ યુનિવર્સિટી છે, જે માનસની નવમી વિદ્યાપીઠ છે.
બાપુએ અહીં પોતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે આપણા મનથી આરંભીને વૈશ્વિક ચેતના સુધી પવિત્રતાનું અભિયાન ચલાવવાનું છે. શ્રી હનુમાનજી મહારાજમાં ચાર પ્રકારની પવિત્રતા છે. એક છે ધર્મ પાવિત્ર્ય. ધર્મ હંમેશાં પવિત્ર હોવો જોઈએ. કેટલાક લોકોએ પોતાના સ્વાર્થ માટે ધર્મને પણ અપવિત્ર બનાવી દીધો છે. બીજું છે અર્થનું પાવિત્ર્ય. અર્થની પવિત્રતા ઘણી મુશ્કેલ છે. શાસ્ત્રનો અર્થ પણ આપણે આપણા સ્વાર્થ પ્રમાણે કરીએ છીએ. શ્રી હનુમાનજીમાં ત્રીજી પવિત્રતા છે – કામની પવિત્રતા. લંકામાં સ્ત્રીઓને જોઈને તેમના મનમાં ક્યાંય કામ પેદા થયો નથી. ચોથી પવિત્રતા છે મોક્ષ પાવિત્ર્ય. મોક્ષની સર્વોચ્ચ પવિત્રતા પ્રેમ છે.
બાપુએ આ કથાને “નાલંદા વિશ્વ વિદ્યાલય” શિર્ષક આપ્યું અને કહ્યું કે મનોરથી પરિવારે મનોરથ કર્યો અને કથાનો સંકલ્પ મેં કર્યો કે નાલંદામાં એકવાર કથા ગાન કરવું છે. આપણે જે કેન્દ્રીય પંક્તિઓ પસંદ કરી છે ,એમાં પહેલી ચોપાઈ વશિષ્ઠજીના વિદ્યાલયનું દર્શન છે અને બીજી ચોપાઇ વિશ્વામિત્રજીનાં વિદ્યાલય નું દર્શન છે.
કથાના ક્રમમાં પ્રવેશ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે કથાના પ્રથમ દિવસે મંગલાચરણ કરીએ છીએ એ પરંપરા છે. પરંપરા પવિત્ર હોવી જોઈએ, પ્રવાહી હોવી જોઈએ અને પરોપકારી હોવી જોઈએ.
માનસના સાત કાંડ છે. એની તાત્વિક, સાત્વિક અને વાસ્તવિક ભૂમિકા સમજવા માટે ગુરુ પાસે જ જવું જોઇએ. માનસનું જ્ઞાન ઘણી દૂરની વાત છે, ગાન કરો. અને ગાન પણ ન કરી શકો તો શ્રવણ કરો.
રામચરિત માનસના આરંભમાં મંગલાચરણના સાત મંત્રો છે અને અંતમાં ગરુડજી સાત પ્રશ્નો પૂછે છે. આ માનસના સાત સોપાનની ઉર્ યાત્રા છે. માનસના કેન્દ્રમાં વર્ણ નથી, જાતિ નથી, જ્ઞાતિ નથી – મનુષ્ય છે. મહિમા મનુષ્યનો છે એટલે જ ભગવાન મનુષ્ય રુપે અવતર્યા છે.
વંદના પ્રકરણમાં શ્રી હનુમાનજીની વંદના સાથે બાપુએ આજની કથામાં વાણીને વિરામ આપ્યો.

Related posts

NHC ફૂડ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ત્રિ-માસિક ગાળામાં શુદ્ધ લાભમાં 384% વૃદ્ધિ નોંધાવી

amdavadlive_editor

અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

amdavadlive_editor

એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

amdavadlive_editor

Leave a Comment