30.8 C
Gujarat
May 20, 2025
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.

*અગુણ હોવું એ મોટામાં મોટો સદગુણ છે.*
*ગુણાતિત અવસ્થાનો પણ એક રસ હોય છે.*
*રામકથા સાધુનો સ્વયંવર છે.*
*ઇન્દ્રિયાતિત થઈને સકળ રસ ભોગવે એ યોગી.*
જેની પવિત્ર અને અખંડ જ્યોતને ૧૯૪ વરસ થયા છે એવા સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં સાંન્નિધ્યમાં નડીઆદ ખાતે ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે આરંભે રોજ વિશિષ્ટ વક્તવ્ય શ્રેણીમાં શિવાતિર્થ આણદાબાવા આશ્રમ-જામનગરનાં શ્રી દેવીપ્રસાદજીએ પોતાનાં વિચારો રજૂ કર્યા.
ગીતાજી પ્રચાર અંતર્ગત શ્રીમદ ભગવત ગીતાજીનાં શ્લોકોનાં આધારે ડો.પ્રણવ દેસાઇ સંપાદિત સો વાર્તાઓનું પુસ્તક ‘ગીતા જ્ઞાન સંસ્કાર શતક’ વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પિત થયું.આ પુસ્તક રાજ્યની શાળાઓમાં મોકલવાનો વિચાર પ્રકલ્લપ પણ રજૂ થયો.
આ કથામાં કથાકાર ત્રિવેણીમાં અનેક કથાકારોનાં મિલનનો યોગ પણ રચાયો છે.
કથાના આરંભે બાપુએ કહ્યું કે રામદાસજી મહારાજે ‘યોગીરાજ માનસ’-ગ્રંથ જેમાં પોતાની સુમતિ દ્વારા પંક્તિઓનો શૃંગાર કર્યો છે.સંતરામ મહારાજે સંવાદમાં યોગવિદ્યા રહસ્ય વિશે ખેચરી અને શાંકરી મુદ્રાઓ તેમજ ઈડા,પિંગલા અને સુષમણાનાં ત્રિવેણી સંગમ વિશે પણ પ્રકાશ પાડ્યો.આ ખૂબ જ ગહન વિષય છે પણ તુકારામજી કહે છે કે: વિઠ્ઠલજીનું નામ લ્યો એટલે બધા જ યોગ પૂરા થઈ ગયા!
આપણે ત્યાં વેદવિદ્યા,યોગવિદ્યા,અધ્યાત્મવિદ્યા, લોકવિદ્યા અને બ્રહ્મવિદ્યા-એવી પંચ વિદ્યાઓ છે.ધર્મ અર્થ,કામ અને મોક્ષને પણ વિદ્યા કહેલી છે.
રૂમીનું એક વાક્ય છે:સાયલન્સ ઈઝ નોટ એમ્પ્ટી,ઈટ ઇઝ ફુલ ઓફ આન્સર્સ(મૌન-સન્નાટો એ ખાલીપો નથી પણ ઘણાં પ્રશ્નોના જવાબોથી ભરેલો હોય છે) અહીં શિવ પણ યોગીરાજ છે અને હનુમાનજી પણ યોગીરાજ છે.એક પરમવક્તા છે,એક પરમશ્રોતા છે. પણ બંનેને હું એક જ સાથે મૂકીશ.જેમ જ્ઞાનેશ્વરી કહે છે કે યોગીનો વર્ણ બદલે છે,વજન ઘટતું નથી પણ હળવા ફૂલ થાય છે.
અહીં શિવજી યોગી છે એના ઘણા લક્ષણોમાં તુલસીજી લખે છે:
*અગુન અમાન માતુ પિતુ હીના;*
*ઉદાસિન સબ સંસય છીના.*
ખગની ભાષા જેમ ખગ જ જાણે એમ એક યોગી- નારદજી બીજા યોગીનો પરિચય આપે છે.
યોગીનું એક લક્ષણ છે:એ અગુણ એટલે કે નિરાકાર હોય છે.સત્વ-રજ અને તમથી બહાર હોય છે.યોગી એ છે જે ગુણાતિત છે.જેને ઢેફું,લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.મૂળ તો આ ત્રણેય જમીનમાંથી નીકળે છે પણ આપણે આકાશમાં બહુ ઊડીએ છીએ એમાં જમીનનો અભ્યાસ છૂટી ગયો છે.સોનામાંથી બીજું કંઈ ઉગતું નથી,ઢેફામાંથી બીજું ઉગે છે,સર્જનાત્મક તત્ત્વ પડ્યું છે.લોઢાને કાટ લાગે છે.આ ત્રણેયને આ રીતે જુએ તે યોગી.જેને પોતાના જ્ઞાન વિજ્ઞાન પછી ઓડકાર મેળવી લીધો એવો તૃપ્ત આત્મા એ યોગી.ગુણાતિત અવસ્થાનો પણ એક રસ હોય છે.એટલે ઇન્દ્રિયાતિત થઈને સકળ રસ ભોગવે એ યોગી.અગુણ હોવું એ મોટામાં મોટો સદગુણ છે.હનુમાનજી અગુણ છે કારણ કે એ સકલ ગુણનિધાન છે.
બીજું લક્ષણ છે:અમાન-જે નિર્માની રહી શકે યોગી એ છે.જેને કોઈ મા-બાપ નથી.યોગી મૃત્યુ પર વિજય મેળવે છે,મૃત્યુ એનું જ થાય જે જન્મે નહીં! જે ઉદાસિન છે.એવી સ્થિતિએ પહોંચ્યા છે ત્યાં તટસ્થ નહીં પણ કુટસ્થ-મધ્યસ્થ સ્થાન મેળવેલું છે જીવનના તમામ સંશયો નિર્મૂળ થઈ ગયા હોય-૩૨ પ્રકારના સંશયો શાસ્ત્રએ બતાવેલા છે-આવા સંશયો નિર્મૂળ થઈ ગયા છે એ યોગી છે.જેને કોઈ વ્યક્તિ, વિચાર,ઘટના પર સંશય ન થાય.શિવની જટાને ભાર નહીં પણ શૃંગાર કહ્યો છે.
રામકથા સાધુનો સ્વયંવર છે,બાવન ફૂલડાની માળા લઈને નીકળ્યો છું,આ વરમાળા કયા શ્રોતાનાં ગળામાં મૂકવી એ નક્કી કરું છું.
જોગીની જટામાંથી ગંગા નીકળે.જેનું મન નિષ્કામ છે કોઈની પાસે કંઈ જોઈતું ન હોય અને કોઈ પણ જાતની ચિંતા ન હોય એ મન નિષ્કામ છે.યોગી નગ્ન હોય એટલે કે આરપાર હોય છે.ઉપરનો વેશ અમંગળ લાગે પણ અંદર માંગલ્યનો ખજાનો હોય. હનુમાનજીમાં પણ આ બધા જ લક્ષણો દેખાય છે. હનુમાનજી આમ અજન્મા નથી પણ હનુમંત તત્વ અંદરથી પ્રગટ્યું છે એ ન્યાયે શિવરૂપે અજન્મા છે. સાધુ એટલે?જે સાહસ કરે,સાવધાન રહે,સમાધાન આપે,સંવાદ કરે,સ્વિકાર કરે,સંયમમાંથી ચલિત ન થાય,સમદર્શન રાખે એ સાધુ.
આમ વાલ્મિકી,નારદ,જનક રાજ પણ યોગી છે, શબરી યોગીની છે.
કથાના ક્રમમાં સિતારામની વંદના કરતા માતા દ્વારા નિર્મળ બુદ્ધિ મેળવીને સીતારામ તત્વત: એક જ છે એ દર્શાવતી વંદના કરી.રામનામ રૂપી મહામંત્રની વંદના કરતા જણાવ્યું કે રામ મંત્ર પણ છે,મહામંત્ર છે નામ પણ છે.રામનામ મહિમા દ્વારા આખા નામચરિતનું ગાન થયું.
ધ્યાન એ સતયુગનો ધર્મ છે.યજ્ઞ ત્રેતાયુગનો,પૂજા અર્ચના દ્વાપરનો ધર્મ છે.દરેક યુગને પોતાનો ધર્મ સ્વભાવ હોય એ રીતે હરિનું નામ કળિયુગનો ધર્મ છે કળિયુગમાં સાર્વભૌમ,સરળ,સફળ સાધન નામ છે.
*વિશેષ:*
આ પરમ,પવિત્ર અને શિતલ જ્યોતને ૨૦૦ વરસ પૂરા થાય ત્યારે,૨૦૩૧માં જો યોગ બને તો આ સ્થાન પર માનસ દીપશિખા વિષય પર કથાગાનનોં મનોરથ વ્યક્ત કરતા બાપુએ એ કથાની બીજ પંક્તિઓ આજે જ આપી દીધી.
ઉત્તરકાંડની પંક્તિ:
*સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા;*
*દીપસિખા સમ પરમ પ્રચંડા.*

Related posts

“વિનિંગ પિચીસ” વર્કશોપ પાવરફૂલ પ્રેઝન્ટેશન અને આકર્ષક વિડિઓઝ સાથે આંતરપ્રિન્યોર્સને સશક્ત બનાવે છે

amdavadlive_editor

સેમસંગ દ્વારા ગેલેક્સી S24 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેરઃ હવે ભારતમાં INR 109999થી શરૂઆત કરતાં ઉપલબ્ધ

amdavadlive_editor

દેવ જોશીની બાલવીરે તેનું જીવન કાયમ માટે કઈ રીતે બદલી નાખ્યું તેની પર હૃદયસ્પર્શી કબૂલાત

amdavadlive_editor

Leave a Comment