22.9 C
Gujarat
November 14, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવા વરસની પહેલી કથાગંગા દેવભૂમિ ઋષિકેશથી ૭ નવેમ્બરથી વહેશે

સાધુ ભૂમિ કાકીડીની કથા વિરામ પામી;
નવા વરસની પહેલી કથાગંગા દેવભૂમિ ઋષિકેશથી ૭ નવેમ્બરથી વહેશે.
અવસર આવે ત્યારે લાભ લેવાની વૃત્તિ છોડી સામાનું શુભ કેમ થાય એવું કરવું એ સત્ય છે.
ભૂખ્યાને ભોજન આપવું એ સત્ય છે.
બને એટલી મમતાને આઘી કરીને સમતાનું સ્થાપન કરવું એ સત્ય છે.
હવે પછીની દિવાળીની ગિફ્ટ:૪ થી ૧૨ નવેમ્બર-૨૦૨૫માં ગોપનાથમાં આવી કથા મંડાશે
ભગવાન કૃષ્ણ સર્વ રીતે પૂર્ણ છે,આપણે સર્વ રીતે અપૂર્ણ છીએ.
આપણે મહાપુરુષોને નીરખ્યા છે,પરખી નથી શક્યા!
કથા બીજ પંક્તિઓ:
સિંઘાસન પર ત્રિભુવન સાંઇ;
દેખિ સુરન્હ દુંદુભિ બજાઇ
-ઉત્તરકાંડ દોહો-૧૨
તારન તરન હરન સબ દૂષન;
તુલસિદાસ પ્રભુ ત્રિભુવન ભૂષન
-ઉત્તરકાંડ દોહો-૩૫
ત્રિભોવનદાસ દાદાનાં પગલાથી પાવન બનેલી કાકીડી ગામની ભૂમિ પર ચાલતી રામકથાનાં પૂર્ણાહૂતિ દિવસનાં આરંભે ભીંજાતા હૃદય અને ભીંજાતી આંખોથી સમગ્ર આયોજન માટે રામજી મંદિરના દેવતાઓ,શિવમંદિર અને જે ગામમાં દાદા બહુ રોકાતા-એ ગામની કૃપાએ,આયોજનની સારી સફળતા માટે વીરપુર બાપાનાં પુરા આશીર્વાદ,એ પરિવારનાં ભરતભાઈ તેમજ ચીમનભાઈ વાઘેલા અને એની પૂરી ટીમ,ગ્રામજનો,જેણે-જેણે આહૂત્તિ આપી એ દરેક,પ્રશાસનની સેવા,સરકારી તંત્રની સેવા મીડિયાના દરેક માધ્યમો,નાનામાં નાના માણસથી માંડીને પોલીસ ખાતાના વિભાગો;તેમજ મનોરથી પરિવારે મન,વચન,અને કર્મ તથા તન,મન અને ધનથી પૂરેપૂરરં સમર્પણ કર્યું એને દાદાની ધન્યતા દાદાના પૌત્ર મોરારીબાપુનાં રૂપમાં આશીર્વાદ, પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કરીને બાપુએ કહ્યું કે મહાભારતમાં ભીષ્મદાદા બાણશૈયા પર હતા અને યુધિષ્ઠિરને કૃષ્ણએ કહ્યું કે આ જ્ઞાનભંડાર બંધ થાય એ પહેલા જેટલું પુછાય એટલું પૂછી લ્યો! ટપકતાં રક્ત અને કાયા પર ગંગાજીએ સ્હેજ મુખ પ્રવેશ કર્યો અને થોડીક રાહત થઈ અને પ્રશ્ન પૂછાયા.એવો કોઈ પ્રશ્ન નથી કે યુધિષ્ઠિરે ન પૂછ્યો હોય,એ કાળમાં તો જરૂરી હતા જ પણ ભીષ્મના જવાબો આજે પણ એટલા જ સાંપ્રત છે અને ભવિષ્ય માટે પણ ભીષ્મના જવાબો ઉપયોગી થશે.એ જવાબો પણ બાપુએ વિસ્તારથી સમજાવ્યા.બાપુએ કહ્યું કે તલગાજરડાનોં ખૂણો બહુ જૂનો છે,એનો તાગ મેળવવો મારા માટે મુશ્કેલ છે.એક પુસ્તક માટે મેં કહ્યું કે ભગવાન કૃષ્ણ સર્વ રીતે પૂર્ણ છે,આપણે સર્વ રીતે અપૂર્ણ છીએ.આપણે મહાપુરુષોને નીરખિયે છીએ પરખી નથી શક્યા! સત્યભામા,રુકમણી, દ્રૌપદી,સુભદ્રા,ઉત્તરા,ગોપીજનો,યશોદા-આ બધાએ કૃષ્ણને નિરખ્યો છે પણ પરખાયો નથી આ આદમી! બાપુએ તેર સત્યની વાત પણ વિસ્તારથી કરી.કહ્યું કે સાધુ સત્યવિહીન,પ્રેમવિહીન,કરુણાવિહિન ન હોઈ શકે.બધું જ એકમાં હોય.કહ્યું કે મેં મારી વાત કરી છે મેં બધા જ સત્ય ત્રિભોવન દાદામાં જોયા છે.મને એમાં સત્યનારાયણના દર્શન થયા.દાદા મારા માટે સત્યનારાયણ,પ્રેમનારાયણ,કરુણાનારાયણ છે.આ સત્ય-પ્રેમ-કરુણા ત્રણેય સૂત્રોનું મૂળ ત્યાંથી મને મળેલું.શાસ્ત્રોએ તો મને સહયોગ આપ્યો અને મેં મારી રીતે ગોઠવ્યા છે.પણ મારું મૂળ ત્યાં છે.
બાપુએ કહ્યું કે પવનાર આશ્રમ વિનોબાજીને ત્યાં મરાઠીમાં રણ મેદાનમાં ગીતાજીનાં સૂત્રો લખેલા, થાંભલા ઉપર કોતરેલા,એના ઉદ્ઘાટનમાં વિનોબાજી તેમજ બિરલા પરિવાર અને સોમૈયાબાપાના આગ્રહ તેમજ સચ્ચિદાનંદ,ડિવાઇન લાઇફ સોસાયટીના આગ્રહથી હું એમાં ગયેલો.વિનોબાજી મૌન હતા એને બોલવાનું હતું.રણ મેદાનમાં સ્તંભો ઉપર મરાઠીમાં કોતરેલા સૂત્રો અને પછી નાનકડી ઝૂંપડીમાં વિનોબાજીને મળવા અમે ગયા.એ કાગળના ટુકડામાં સત્ય,પ્રેમ અને કરુણા લખતા હતા,ત્યાંથી પણ મને બળ મળ્યું.
આ તેર સત્ય કોક-કોક માં હોય જ છે એટલે આ થાંભલા વગરનું આભ ઊભું છે.
ગઈકાલે સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી.સેતુબંધના વિચાર પાસે ક્યારેય ભીડ આવે રામની આંખો એ જોઈ રહી છે.એ વખતે સેતુબંધ ઉપર ભીડ થઈ. વાંદરાઓ ઉડી રહ્યા છે.બધા જ જોડાયા શૈવ, વૈષ્ણવ અને શાકતોનું એકત્વ થયું.ત્રણ પ્રકારની યાત્રા થઈ.ઘણા ઉપરથી ચાલીને ગયા.અઢાર પદ્મ જેના જૂથપ(અગ્રણી છે) એટલી મોટી ભીડ.સક્ષમ હતા એ ઉડી-ઉડીને જવા લાગ્યા,થાકે એટલે ફરી સેતુ ઉપર ઉતરે.ભગવાનનાં દર્શન કરવા જળચરો બહાર આવ્યા.એના વિરાટ શરીરો.ભગવાને કહ્યું કે તમે સેતુ બનાવ્યો એના ઉપર હું ચાલીસ.એ પુરુષાર્થનો સેતુ છે અને મારી કરુણાનો સેતુ આ જળચરોની પીઠ ઉપર પગ મૂકીને તમે ચાલજો. બધાએ પૂછ્યું કે જળ પણ ચંચળ,સમુદ્ર ચંચળ, જળચરો ચંચળ,અમારો વાનર સ્વભાવ પણ ચંચળ કઈ રીતે અમે ચાલીશું! ત્યારે રામે કહ્યું:મગન ભયે હરિ રૂપ નિહારી… એ મને જોવામાં સ્થિર થઈ ગયા છે.જેનામાં ક્ષમતા ન હોય એ કરુણાના સેતુ ઉપર ચાલે છે.કૂદકા મારતા હતા એ જ્ઞાનમાર્ગીઓ વિચારોની છલાંગ મારતા હતા.આપણે રસ્તો બનાવીએ એ તો કેવડો હોય!પણ એની કરુણાના રસ્તા વિશાળ હોય છે ત્યાંથી કીડી અને કુંજર બધા જ ચાલી શકે છે.
લંકાને ત્રિકુટ-ત્રણ શિખર ઉપર.એક ઉપર લંકા, બીજા ઉપર રાવણનો અખાડો અને ત્રીજું શિખર સુમેર પર્વત ખાલી હતું.રાવણ તો વિસ્તારવાદી! તો પણ ખાલી રાખેલું.એને ખબર હતી કે એક ‘દી ઈશ્વર આવશે.કાશી જેમ શિવના ત્રિશૂળ ઉપર છે એમ લંકા પણ ત્રિશૂળ ઉપર બનેલી નગરી.રામ ત્યાં રોકાયા.એ પછી રામ રાવણનું યુદ્ધ.બાપુએ કહ્યું કે કાગભુશુંડી અહિંસાવાદી છે.અમારી તલગાજરડાની કુળદેવી પણ અહિંસા છે.રાવણને નિર્વાણ પદ આપી,પુષ્પક આરૂઢ થઈ,બધાને લઇ સૌ પ્રથમ અયોધ્યામાં કૈકયીને મળ્યા,બધી માતાઓને મળી રાજ્યભિષેક અને વશિષ્ઠ મુનિના હસ્તે રાજતિલક થયું.દરેક ઘાટ પર કથાને વિરામ અપાયો.ત્રિભુવન ઘાટ પર કથા વિરામ આપતા ભુશુંડિના સાત પ્રશ્નો-જે એક-એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે.
બાપુએ આવતા વરસની દિવાળી ગિફ્ટ આ વાયુમંડળમાં ૪થી ૧૨ ઓક્ટોબર ગોપનાથમાં રામકથા થશે એની જાહેરાત કરી.
આ રામકથાનું સુકૃત,સુ-ફળ પાંચેય પિતામહોને અર્પણ કરીને કથાને વિરામ આપવામાં આવ્યો.
આગામી-૯૪૬મી કથા,જે વિક્રમ સંવત્સરના નવા વરસની પહેલી કથા બહુધા કોઇ તીર્થભૂમિ પર રચાતી હોય છે.આ કથા દિવાળી પછી ૭ નવેમ્બરથી ભાગીરથી ગંગાના તીરે મંડાઇ રહી છે.
જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તેમજ સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પરથી નિયત નિયમિત સમયે નિહાળી શકાશે.
*Box*
*કથા વિશેષ:*
*આ ૧૩ સત્ય ગજવામાં રાખશું તો અજવાળાં અને દીવા બહુ થાશે*
સત્યનાં તેર સ્વરૂપ છે.યુધિષ્ઠર ભિષ્મને પૂછે છે: સત્ય કોને કહેવાય?ને ભિષ્મએ યુધિષ્ઠરને કહ્યા, મારા પિતામહે મને કહેલા,મને જેટલા યાદ છે એ તમને કહું:
સત્ય વિચારીએ,બોલીએ,બીજાનું સત્ય સ્વીકારીએ, સત્ય જીવીએ,આચરણ કરીએ-આ બધું પ્રથમ છે, હોવું જ જોઈએ.
ભિષ્મને ખબર હતી કે સત્ય બોલવું,વિચારવું,જીવવું કઠિન હશે એટલે મહાભારતમાં ૧૩ સત્યો યુધિષ્ઠિરના જવાબના રૂપમાં કહ્યા.
દરેકના તરફ સદભાવ એ સત્ય છે.
સત્ય તો પકડી રાખવું જ પણ,આપણે વ્યવહારમાં ક્યારેક ખોટું બોલવું પડતું હોય છે.સમય નથી એમ હું ન કહું પણ યોગ નથી એમ પણ હું કહું છું.
આપણે જીવ છીએ,માટે અસત્યનો આશરો લેવો પડતો હોય છે.ઘણાને તો સ્વભાવિક આદત જ અસત્ય બોલવાની પડી ગઈ હોય છે!
આપણી પાસે આવે એણે ગમે એટલું ખરાબ કર્યું હોય,દુનિયા જાણતી હોય,છતાં એટલા જ હૃદયથી સ્વિકાર કરવો સત્ય છે,એવા લોકોને ક્ષમા કરી દેવી એ સત્ય છે.
અવસર આવે ત્યારે લાભ લેવાની વૃત્તિ છોડી સામાનું શુભ કેમ થાય એવું કરવું એ સત્ય છે.
ભૂખ્યાને ભોજન આપવું એ સત્ય છે.
બને એટલી મમતાને આઘી કરીને સમતાનું સ્થાપન કરવું એ સત્ય છે.
મુશ્કેલ છે,મમતા આવે ત્યારે સમતા રહેતી નથી પણ સમતાને પકડી રાખવી.
ભાવથી કુભાવથી પરમાત્માનું નામ સમય મળ્યે લેવા માંડવું-એ સત્ય છે.
એક અઘરું સત્ય છે:ગમે તે થઈ જાય કોઈની ઈર્ષા ન થઈ જાય એ સત્ય છે.
અસૂયા શબ્દનો અહીં પ્રયોગ કર્યો છે.
કોઈ વ્યક્તિ કોઈ પ્રસંગે બહુ હર્ષિત થતી હોય એની નીજતા છે,એના પ્રસંગમાં ષડયંત્ર કરીને વિઘ્ન આપવામાંથી મુક્તિ રાખવી એ સત્ય છે.
કોઈની પ્રસન્નતામાં આડા ન આવવું.
કારણ હોય તો પણ કોઈના પર ક્રોધ ન કરવો એ સત્ય છે.
આમાંથી થોડાક સત્ય ગજવામાં રાખીએ તો અજવાળા બહુ થશે,દીવા બહુ થશે.

Related posts

ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર એડલ્ટ વેક્સીનેશનના ઉદઘાટન માટે સહયોગ કર્યો

amdavadlive_editor

અનંત ભાઈ અંબાણી તેમના વેડિંગ જેકેટ પર પ્રાણીઓ પ્રત્યેના તેમના જુસ્સાને પહેરે છે – પ્રાણીઓના બચાવ અને સંરક્ષણના કારણને પ્રોત્સાહન આપે છે

amdavadlive_editor

ભારતમાં પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શનની એમેઝોને અગાઉ કદી ન કરાઈ હોય તે રીતે સેમ ડે અથવા ઝડપી ડિલિવરી કરી

amdavadlive_editor

Leave a Comment