20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોઈ બુદ્ધપુરુષનો થોડો સમયનો નિવાસ પણ પાંચેય તત્વોને પવિત્ર કરે છે.

  • વીરડાં ઉલચવાની પણ કળા છે પણ ખોટા હાથે સમાજના ઉલેચાતાં વીરડા ડહોળાય જાય છે.
  • આપણા જીવન-મહાભારતમાં ક્રોધ બહુ મોટું પરિબળ છે.
  • રામાયણ અભણ થઈને વાંચજો:મતલબ ભોળા થઈને વાંચજો;હોશિયાર થઈને ન વાંચતા.

કાકીડી ગામનાં પાદરમાં ચાલતી રામકથાનાં પાંચમા દિવસે બાપુએ કહ્યું કે મારા માટે વ્યક્તિગત રૂપે જેની પાઘડી સત્ય,જેની પોથી પ્રેમ અને જેની પાદુકા મારા માટે કરુણા છે-એવા ત્રિભુવન ઘાટ પર કાકીડીનાં ટીંબે દરેકને પ્રણામ.જ્યાં કોઈ બુદ્ધપુરુષ થોડો સમય પણ નિવાસ કરે એ પાંચેય તત્વોને પવિત્ર કરે છે. ભૂમિના જળ તત્વને,વાયુમંડળને,ભૂમિના ભૂમિ તત્વોને ફળાઉ કરે છે,વાયુ મંડળને સ્વચ્છ કરે છે, અને જળમાં દેવત્વ આવે છે.

મહાપુરુષોના જ્યાં બેસણા હોય છે ત્યાં આવું બધું થાય છે.

અહીં જેમણે પોતાની મોલાત જતી કરીને આ જગ્યા આપી એવા આઠ-દસ જણા પૈસા લેવાની પણ ના પાડે છે.આત્મા કહે છે કે આવતા વર્ષે મારો ઠાકુર એને અનેક ગણું ફળ ઉમેરીને આપશે.બુધ્ધપુરુષનાં સ્થાને એના અજવાળાનું તેજ તત્વ કંઈક જુદું હોય. બુદ્ધપુરુષના બેસણા હોય એનું આકાશ અલગ હોય.

ગઇ કાલે કહેલું રામાયણ અભણ થઈને વાંચજો, એનો અર્થ ભણવું નહીં એમ નહીં,પણ ભોળા થઈને વાંચજો;હોશિયાર થઈને ન વાંચતા.

મન ક્રમ બચન છાંડી ચતુરાઈ..

ભગવાન કૃષ્ણનું ઉપર ઉપરથી દર્શન કરીએ તો નિર્ણય ન કરી શકો,પણ કૃષ્ણ ભોળો છે અને બધાથી બહુ ભોળો મારો મહાદેવ છે.પરમ તત્વ બહુ ભોળા અને માસુમ હોય છે,એને તમે જેટલા સતાવી શકો એટલા સતાવો!

ભીષ્મ કહે છે જે ક્ષમાશીલ હોય એ પ્રથમ પૂજનીય છે.

તેથી જ આક્ષેપો,આરોપો,ક્રોધ,ગાળો,અપવાદો, ભ્રાંતિ ફેલાવો છતાં જેનું ભોળપણ અભડાયું નથી એવા ભોળા પાસે શાસ્ત્રો શસ્ત્ર નથી બનતા.

બાપુએ કહ્યું કે મને દાદાની જન્મ તારીખની,તિથિની બરાબર ખબર નથી પણ મન એમ કહે છે કે આ દિવસોમાં આ કથા અહીં મંડાણી,દાદાનાં જીવનની કોઈ મહત્વની તારીખો હશે.મારી અંતઃકરણની પ્રવૃત્તિ જ એનું પ્રમાણ છે.

વીરડાં ઉલચવાની પણ કળા છે પણ ખોટા હાથે સમાજના ઉલેચાતા વીરડા ડહોળી નાંખવામાં આવે છે.

આજે મહાભારતની કુંતી વિશે બાપુએ કહ્યું.કુંતીએ દુર્વાસાની બહુ સેવા કરી.અતિશય ક્રોધી માણસની સેવા કરવી બહુ મોટું તપ છે.શાંત માણસની સેવા કદાચ સહેલી હશે.તુલસીદાસે ક્રોધને પિત્તનો રોગ કહ્યો છે.છાતીમાં બળતરા કરાવ્યા જ કરે,ખાવાનું ન પચવા દે.કામ વાત(વાયુનો)રોગ છે.લોભ એ કફ છે. એ દિવસોમાં,૧૯૭૦નાં વખતની વાત છે.રામાયણનું અધ્યયન ચાલતું હતું.દાદા ક્રોધ પર બોલતા હતા. એક નાનકડો લીલા રંગનો કબાટ,એમાં થોડાક સંસ્કૃતના અને અન્ય પુસ્તકો પડ્યા રહેતા અને હું ખૂણામાં બેઠો.અને ટેકો લેવા ગયો.નકુચા કે કંઈ ઠેકાણું ન હતું ને એક પુસ્તક આવ્યું.એ છાંદોગ્ય ઉપનિષદ હતું.દાદાએ કહ્યું કે એનું પાનું ખોલ,એમાં ક્રોધ વિશેની વાત હતી.એમાં મંત્ર હતો.ક્રોધ અગ્નિ છે પાંચ અગ્નિનું છાંદોગ્ય વર્ણન કરે છે.આપણા જીવન મહાભારતમાં ક્રોધ બહુ મોટું પરિબળ છે.

સેવાથી પ્રસન્ન થઈ દુર્વાશાએ કુંતાને થોડાક ધર્મ પરક,વાયુ પરક,ઇન્દ્ર પરક,અશ્વિનીકુમાર પરક મંત્રો આપ્યા.એના ઉપયોગથી,ધર્મ પરક મંત્રથી યુધિષ્ઠિર, વાયુ પરક મંત્રથી ભીમસેન,ઇન્દ્ર પરક મંત્રથી અર્જુન અને અશ્વિનીકુમારના મંત્રોથી માદ્રીને ત્યાં બે પુત્રો સહદેવ અને નકુળ જનમ્યા.કર્ણની ઉત્પતિ સૂર્ય પ્રભાવથી થઈ છે.અધીરથની પત્ની રાધે રસોઈ કરે છે અને ચિંતા કરે છે મારે પુત્ર નથી.અધીરથ ધૃતરાષ્ટ્રના રથનો સારથી હતો.

બાપુએ કહ્યું કે સુરતાની સરિતામાં વહેતી કથાઓમાંથી હાથ લાગે એ તમારી સમક્ષ મુકું છું. અને નદી કિનારેથી એક પેટી મળે છે.એમાં બાળક છે જેનું નામ વસુસેન રાખ્યું.પછી એ કર્ણ તરીકે ઓળખાયો.કર્ણના જીવનમાં ત્રણ ભયંકર મુશ્કેલીઓ:દ્રોણ ગુરુએ રાજકુમારોને વિદ્યા આપી અને પરીક્ષા સમારંભ કર્યો.સમારંભ પૂરો કરતા હતા અને કર્ણનો પ્રવેશ થયો.એ કહે મારે પણ મારી વિદ્યાનો મુકાબલો અર્જુન સાથે કરવો છે.એ વખતે એનું અપમાન થયું કે રાજકુમારો માટે જ આ છે.તું સુતપુત્ર(સારથીનો પુત્ર)છો.અપમાન થયું.દુર્યોધન તરત સામે આવ્યો અને કહ્યું કે અત્યારે જ એને અંગ દેશનો યુવરાજ બનાવું છું.

બીજી વખત પરશુરામ પાસે વિદ્યા પ્રાપ્ત કરે છે. પરશુરામ અત્યંત ગુસ્સો કરે.કર્ણ એને શાંત કરે છે. કર્ણના ખોળામાં માથું રાખી પરશુરામ સુતા છે.અચાનક કંઈક ગરમ લાગતા પરશુરામ જાગ્યા.કર્ણના શરીરમાંથી રુધિર વહેતું હતું.પૂછ્યું તો એક કીડો કરડેલો એનું લોહી.પરશુરામે કહ્યું કે આટલી ભયંકર કીડાની પીડા તે સહન કરી!તું બ્રાહ્મણ નથી,સાચું કહે!આ સ્વભાવ ક્ષત્રિયનો છે તે જાત છુપાવી છે,જલ્દી બતાવ!નહીંતર શાપ આપીશ.ખબર પડતા એણે કહ્યું કે મેં વિદ્યા આપી એ જીવનના અંતિમ સમયે તું ભૂલી જઈશ.

કૃપાચાર્યે પણ ત્યાગી દીધો,ગુરુએ ત્યાગી દીધો, દ્રૌપદીના સ્વયંવરમાં દ્રૌપદીએ પણ ત્યાગ કર્યો! આ અપમાનનાં ઘા… સુરજ હોય એણે તપવું જ પડે છે. એક પિતામહ પરમપિતા પરમેશ્વર,બીજા પિતામહ બ્રહ્મા વિશે બાપુએ કહ્યું કે ત્રણેય લોકના પિતામહનું બિરુદ બ્રહ્માને મળ્યું છે.એ સર્જક છે.જેણે આપણા માટે સારી વસ્તુ સર્જી છે એ પિતામહ છે.સુંદર પૃથ્વી,જળ,વૃક્ષો સુંદર સર્જન બ્રહ્માનું છે.

એ પછી સંક્ષિપ્તમાં શિવચરિત્રનું ગાન થયું. શિવવિવાહ બાદ પાર્વતી સામે રામ જન્મના વિવિધ હેતુઓનું વર્ણન,એના પાંચ કારણો;જેને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ સાથે બાપુએ જોડ્યા. કૌશલ્યાનાં ભવનમાં ભગવાન રૂપે પ્રગટેલ પરમાત્માને માએ મનુષ્ય બનાવવાની વિધિ શીખવાડી અને બિલકુલ બાલરૂપ બનાવ્યા.આ રીતે અયોધ્યામાં રામનવમીના દિવસે રામનું પ્રાગટ્ય થયું.બાપુએ ત્રિભુવનની ભૂમિ પરથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ આપ્યો.

Box

કથા વિશેષ:

આપણા જીવન મહાભારતમાં ક્રોધ બહુ મોટું પરિબળ છે.

છાંદોગ્ય ઉપનિષદમાં ગૌતમને ક્રોધ વિશે જણાવતા કહેવાયું છે:

અસૌ વાવ લોકો ગૌતમાગ્નિ

પરજન્યો વાવ ગૌતમાગ્નિ

પૃથિવી વાવ ગૌતમાગ્નિ

પુરુષો વાવ ગૌતમાગ્નિ

યોષા:વાવ ગૌતમાગ્નિ

હે ગૌતમ!આટલી અગ્નિ છે.દાદાએ ઉપનિષદના સૂત્રોને રામાયણમાં કઈ રીતે લાગુ પાડ્યા,કહ્યું કે આ રામાયણમાં પણ છે.રામાયણ પર પીએચડી થવાય પણ ટીએચડી ન થવાય!ટીએચડી એટલે ત્રિભુવન હરિયાણી દાદા.એ ડિગ્રી ભોળા માણસોને મળે.

લોક અગ્નિ છે.લોકોની માન્યતા અગ્નિ છે જે તારા ભજનને બાળી દેશે.માટે લોકમાન્યતા પર આધાર ન રાખતો.

વરસાદ-પાણી એ અગ્નિ છે.સમુદ્રમાં વડવાનલ છે. કોઇ વિરહી બેઠું હોય એને વરસાદ પણ અગ્નિ સમાન લાગે.

પૃથ્વી અગ્નિ છે.ઉપર જ શાંત છે.નીચે દાવાનળ ભર્યો છે.

પુરુષ-એટલે પરમપુરુષ-પરમાત્મા એ અગ્નિ છે.એ પ્રકાશનિધિ છે.યોષા એટલે બેન,દીકરી.માતૃશરીર અગ્નિ છે.દ્રૌપદી ક્યાંથી નીકળી?જાનકી ધરતીના પેટાળમાંથી નીકળી.તુલસીએ એક નવો અગ્નિ આપ્યો-ક્ષમા અગ્નિ.તમારા પર ક્રોધ,સંશય,આક્ષેપ કરે એના સમિધોને ક્ષમાના શીતલ અગ્નિથી બાળી દેવા.

Related posts

મીશોના ઈકોમર્સ ફેસ્ટિવ ફોરકાસ્ટ 2024: ગ્રાહકો શોપિંગ બજેટ વધારશે

amdavadlive_editor

જગતનાં તમામ દ્વંદોને હસીને સહી લેવા તપ છે.

amdavadlive_editor

LDLC સ્તરોને લક્ષ્યાંક બનાવતા: 40% દર્દીઓ ઊંચુ કોલેસ્ટરલ ધરાવે છે એમ અમદાવાદના નિષ્ણાત કહે છે

amdavadlive_editor

Leave a Comment