34.4 C
Gujarat
October 12, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાલડી અને તલગાજરડી પ્રસ્થાનત્રયિને જોડતા બ્રહ્મસૂત્ર એ સત્ય,ભગવદ ગીતા પ્રેમ અને ઉપનિષદ કરુણા છે.

મનને શુદ્ધ,સ્થિર કે વશ કરવામાં સમય ન બગાડો પણ મન લગાવીને સાંભળો.

મનનું કથાને દાન કરો.

દશનામ સામાન્ય નહીં,દશાવતાર બરાબર છે.

વ્યાસપીઠ પાસે નિરંતર બેસવું એ એની કરુણા સિવાય બીજું કંઈ નથી.

ધીરે-ધીરે અસ્તિત્વ આપણી અંદર ઉતરે એ નામજપ અંતરયાત્રા છે.

માત્ર ભારત જ નહિ,સૌનાં દિલોને જોડવાનાં દિવ્ય સંકલ્પ સાથે શરૂ થયેલી અદ્વિતીય કથાયાત્રા બીજા દિવસ-રવિવારે જગદગુરુ આદિ શંકરાચાર્યની પ્રાગટ્ય ભૂમિ કાલડીમાં પ્રવેશી ત્યારે બાપુએ કહ્યું યાત્રા આજે એવા સ્થાનમાં આવી છે જે ભૂમિએ એક ખૂબ મહાન ચેતનાને પ્રગટ કરી.જગતગુરૂ આદિ શંકરાચાર્યની જન્મભૂમિને પ્રણામ કરતાં જે પૂર્ણા નદીમાં વર્ષો પહેલાં નવ દિવસની કથા વખતે સ્નાન કરેલું એ નદીને,જગતગુરુની સમાધિને અને પ્રથમ નવરાત્ર શૈલપુત્રીનાં રૂપે શંકરામ્બાને પ્રણામ કર્યા ને જણાવ્યું કે વ્યાસપીઠ પાસે નિરંતર બેસવું એ એની કરુણા સિવાય બીજું કંઈ નથી.

શંકરાચાર્યજીએ બ્રહ્મસૂત્ર,ગીતાજી અને ઉપનિષદ પર ભાષ્ય લખ્યું.સાક્ષરો,બૌદ્ધિક જગત જેને પ્રસ્થાનત્રયિનાં નામથી જાણે છે.બ્રહ્મસૂત્ર વિશે કંઈ કહેવું આપણી ઓકાત નથી.અમારા નગીનદાસ બાપા કહેતા:સત્ય,પ્રેમ અને કરુણા તલગાજરડી પ્રસ્થાનત્રયિ છે.કાલડી અને તલગાજરડી પ્રસ્થાનત્રયિને જોડીએ તો બ્રહ્મસૂત્ર જ સત્ય છે. ભગવત ગીતાનું સૂત્રાત્મક દોહન સાર કહીએ તો ગીતા એ પ્રેમ છે.અર્જુનને ભગવાન કૃષ્ણએ સખ્ય પ્રેમના કારણે ગીતા કહી છે.ઉપનિષદ જ કરુણાનું પ્રતીક છે.જ્યારે કોઈ ઋષિને કોઈ શિષ્ય ઉપર કરુણા આવે એટલા નજીક ખેંચે ને કરુણા વહે છે. વિકાસ વિશ્રામદાયી જ હોવો જોઈએ.

જે પૂર્ણા નદીમાં સન્યાસનો જન્મ થયો ત્યાં જ દશનામ પ્રગટ થયું છે.સનાતન ઉપર હુમલાઓ થતા હતા એ કાળમાં એક નદીએ સન્યાસને જન્મ આપ્યો દશનામ સામાન્ય નહીં,દશાવતાર બરાબર છે.

બાપુએ કહ્યું કે સાંભળો! હું કહું છું તો યાદ રાખો! એવું નહીં કહું કે શ્રોતાઓ મનને શુદ્ધ કરો,મનને સ્થિર કરો પરંતુ મનને શુદ્ધ કરીને બોલવાની વક્તાની જવાબદારી છે.મનને શુદ્ધ કરવા,સ્થિર કરવા કે વશ કરવામાં સમય ન બગાડો.એક વિનય કરું-મન લગાવીને સાંભળો.મનનું કથાને દાન કરો.દશરથનાં ચાર પુત્રો જે વેદોના તત્વ છે.માનસની દ્રષ્ટિમાં એ ચાર પ્રધાન તાત્વિક અર્થ છે:એશ્વર્ય,શીલ,બલ અને પરમારથ.જ્યાં ભરત એશ્વર્ય છે.પ્રેમનું,અસંગતાનું, ત્યાગનું એશ્વર્ય છે.શીલ શત્રુઘ્ન છે.બળ લક્ષ્મણજી છે.રામ પરમારથ છે.

ધીરે-ધીરે અસ્તિત્વ આપણી અંદર ઉતરે એ નામજપ અંતરયાત્રા છે.

કથા પ્રવાહમાં વિધ-વિધ વંદનાઓ પછી સીતારામજીની વંદના,રામકાર્યમાં સમાવિષ્ટ તમામની વંદના પછી તુલસીજી લખે છે:

કહ હનુમંત બિપતિ પ્રભુ સોઇ;

જબ તવ સુમિરન ભજન નહીં હોઇ.

પરમાત્માનું સ્મરણ આપણે ન કરી શકીએ એ સૌથી મોટી વિપત્તિ છે.આ જ ક્રમમાં ખૂબ મોટું પ્રકરણ નામ વંદનાનું સંક્ષિપ્ત રૂપમાં રખાયું.ભગવાનનાં અનેક નામ છે.એક-એકનો પ્રભાવ અધિક છે.એમાં રામનામની પ્રથમ વંદના કરતા ગોસ્વામીજીએ ૭૨ પંક્તિમાં રામનામ મહિમાનું ગાયન કર્યું.સહસ્ત્ર નામમાંથી સહજ આ આવી જાય એ નામ પકડો!રામચરિત માનસરૂપી સદગુરુથી આટલી મંત્રદીક્ષા લઈ લો.

રામનામ મહામંત્ર છે.ગઇકાલની કથા મા કન્યાકુમારી અને આજની કથા મા શંકરામ્બા-શંકરાચાર્યજીની માતાનાં ચરણોમાં સમર્પિત કરાઇ.

નામમહિમાનાં ગાયન સાથે આજની કથાનો વિરામ થયો.

કથા-વિશેષ:

દેવગુરુ નહીં, દિવ્યગુરુ બુદ્ધપુરુષ આપણું મંગલ કરશે જ.

શુક્લ યજુર્વેદમાં એક મંત્ર છે:

ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥

અહીં ચાર લોકો આપણા પર મંગલ કરે છે:ઇન્દ્ર, સૂર્ય,અરિષ્ટનેમી એટલે જેની ધરી હલતી નથી, ગારુડી શક્તિ અને આપણા ગુરુદેવ.એવી ભગવાન વેદે પ્રાર્થના કરી છે.

ઇન્દ્ર પાસે બળ છે,એશ્વર્ય છે પણ શીલ નથી.એટલે વેદોનો નહીં પણ ભગવાન ઈન્દ્રને પકડવો પડશે. દેવતાઓ પરમાર્થી નથી.પરમાર્થ પરાયણ ઇન્દ્ર આપણું મંગલ કરે છે.બીજો મંગલકર્તા પૂષા-એટલે કે સૂર્ય જે પોતાના પ્રકાશથી,ઉર્જાથી,સૌર શક્તિથી જાગૃત કરીને મંગલ કરે છે.પણ એ જ સૂર્ય,રાવણ દુનિયામાં આવ્યો ત્યારે તેજહિન બને છે.રાવણનાં આવવાથી સૂર્ય,ચંદ્ર,અગ્નિની મહિમા ઓછી થઈ ગઈ ક્યારેક મુલાકાત થાય તો રાવણને કહેવું છે:

હે દશાનન!તું અગ્નિને નિસ્તેજ કરીશ,નામરૂપી અગ્નિને ક્યારેય નહીં કરી શકે.તારા પ્રભાવથી ચંદ્રમા તેજહીન થઇ શકે પણ રામચંદ્ર ક્યારે નિસ્તેજ નહીં થાય.ત્રીજું અરિષ્ટનેમી એ ગરુડનો સંકેત છે.ગરુડ મહાજ્ઞાની છે.ત્રિભુવનપતિ ભગવાન પીઠ પર સવાર થાય છે ત્યારે સામવેદનું ગાયન શરૂ થાય છે.એક ગારુડી મંત્ર છે જે સાપનું વિષ ઉતારે છે.આ મંત્ર ભુશુંડી પાસે છે જે કથાગાન કરીને પરમ વૈષ્ણવ ગરુડનું અહંકારનું ઝેર ઉતારે છે.બૃહસ્પતિ ગુરુ છે.

પરંતુ ઇન્દ્ર,સૂર્ય,ગરુડ મંગલ ન પણ કરી શકે પણ દેવગુરુ નહીં,દિવ્યગુરુ-બુદ્ધપુરુષ આપણું મંગલ કરશે જ.આ પ્રકારની પ્રાર્થના મારા તલગાજરડી અર્થમાં બેસે છે.

== સમાપ્ત ==

Related posts

વિશ્વનો સૌથી પાતળો 8000 mAhસ્માર્ટફોન – POVA Curve 2 નું વેચાણ આજથી શરૂ

amdavadlive_editor

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે તેના રેસિડેન્ટ બચત ખાતા ધારકો માટે ‘ઉજ્જીવન રિવોર્ડ્ઝ’ લોન્ચ કર્યું

amdavadlive_editor

🧩 અમદાવાદ પરિવારે 42,000 ટુકડાઓનો જીગ્સૉ પઝલ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો

amdavadlive_editor

Leave a Comment