30.3 C
Gujarat
September 20, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.

ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે.

દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે.

આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો પણ વેંચાતા નહીં.

કેન્યાનાં રમણીય નગર કેરિચો ખાતે ચાલતી રામકથાનાં બીજા દિવસ-રવિવારે આરંભે બે વાતની પીડા વ્યક્ત કરતા કહ્યું કે બે દિવસ પહેલા યુગાન્ડામાં એક અકસ્માતમાં ૨૦-૨૫ બાળકોના મૃત્યુ થયા.આફ્રિકન દેશમાં છીએ ત્યારે વ્યાસપીઠ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે તમામનાં પરિવારને દિલસોજી અને પ્રસાદ રાશિ તેમજ અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી નવ વ્યક્તિઓનાં મૃત્યુ થયા એ તરફ પણ સંવેદના સાથે શ્રદ્ધાંજલિ પ્રસાદ અને રાશિ સમર્પિત કરવાની વાત કરી.

શ્રીમદ ભાગવતમાં દેહરથનું રૂપક રજૂ થયું છે.હું તો વર્ષમાં બે-ત્રણ વખત ભાગવતનું પારાયણ કરી લઉં છું.ભાગવતનો વક્તા નથી,ગોપીગીતનું ગાયન જેમ શુકદેવજીએ કર્યું એમ મેં પણ કર્યું.ભાગવતનો વિદ્યાર્થી પણ નથી,માત્ર શ્રોતા છું.પણ રામચરિત માનસ મારો શ્વાસ છે,ભગવદ ગીતા મારો વિશ્વાસ છે,શ્રીમદ ભાગવત મારી તલાશ છે,ઉપનિષદ મારો પ્રકાશ છે.ભરોસાથી જ ભરોસો પેદા થાય છે.આ ગ્રામર નથી,ગિરા છે.દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. અંતરિક્ષયાત્રાની જનની પણ પદયાત્રા છે.સુનિતા વિલિયમ્સે પણ એવું જ લખ્યું છે.

રામે પદયાત્રા કરી જેને હું યજ્ઞયાત્રા કહું છું.પદયાત્રા વગર રથયાત્રાની કામના એ ખારાપાટમાં બીજ વાવવા જેવું છે.રામરાજ્યનો રથ જોડવા માટે પદયાત્રા કરવી પડશે.કૃષ્ણએ પણ કરી,શંકરાચાર્યએ કરી,ગોસ્વામીજીએ કરી,શિવજીએ પદયાત્રા કરી, વિનોબાજીની પદયાત્રા પણ બાપુએ યાદ કરી.

લોકો કેવા મૂલ્યથી જીવતા એ કહેતા બાપુએ કહ્યું કે જયદેવે(જયદેવભાઇ માંકડ) કહ્યું કે અમારા ઘરમાં પિત્તળના વાસણો હતાં.એક વખત પિતાજી (શિરીષભાઈ માંકડ) એ ડોલર કાકાને કહ્યું કે આપણે હવે સ્ટીલના વાસણો વસાવીએ.ત્યારે ડોલર કાકાએ કહ્યું કે આપણી આજુબાજુ બધાને ત્યાં સ્ટીલનાં વાસણો આવે પછી આપણે વસાવશું!આ હતો સાધુ બ્રાહ્મણનો જવાબ.લોકો આવા મૂલ્યથી જીવ્યા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા, ખરીદનારાઓ ફરી રહ્યા છે.વહેંચાઈ જજો પણ વેંચાતા નહીં.

શેષ-વિશેષ:

વિવિધ યાત્રાઓમાં પોથીયાત્રા,શોભાયાત્રા,વરયાત્રા, તીર્થયાત્રા,વનયાત્રા,દશરથની સ્વર્ગ યાત્રા,પાતાળ યાત્રા,બુદ્ધની ધર્મચક્ર યાત્રા,ગંગાસાગર યાત્રા, જીવનયાત્રા,અંતરિક્ષયાત્રા,વિદેશ યાત્રા,વિમાન યાત્રા બસયાત્રા,રેલયાત્રા,સ્મશાનયાત્રા.

વર્ણાશ્રમ શું છે?જ્ઞાન શક્તિથી જીવન પ્રવૃત્ત છે એ બ્રાહ્મણ,ધનશક્તિમાં પ્રવૃત્ત-ક્ષત્રિય,વિતશક્તિથી પ્રવૃત્ત-વૈશ્ય અને શ્રમશક્તિથી પ્રવૃત્ત એ સેવક.એટલે તનપ્રધાન છે એ સેવક,ધનપ્રધાન-વૈશ્ય,મનપ્રધાન ક્ષત્રિય અને આત્મપ્રધાન બ્રાહ્મણ છે.

માનસના મંગલાચરણના પ્રથમ શ્લોકમાં જ વર્ણ અર્થ સંઘ અને રસ-એ એક એક વર્ણ તરફ સંકેત કરે છે.

વિશેષ:

આ વખતની તુલસી જયંતિ હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે ઊજવાશે.

ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે વરસોથી દિવ્ય રીતે ઉજવાતો તુલસીદાસજી વંદનાનો કાર્યક્રમ તુલસી જયંતિ-આ વરસે આંતર રાષ્ટ્રીય સ્તરે ઊડાન ભરી રહ્યો છે.

આ વખતની તુલસી જયંતિ કેમ્બ્રીજની વિશ્વ વિખ્યાત અને સૌથી જૂની(સ્થાપના:૧૬૩૬) યુનિવર્સિટી-હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે ઉજવાશે.

આ નિમિત્તે આગામી ૧૫ ઓગસ્ટથી બાપુની રામકથા યોજાશે એ દરમિયાન ૧૯ ઓગસ્ટ તુલસી જયંતિ આવી રહી છે.

ગઇકાલે બાપુએ આ રામકથાનો વિષય પણ અગાઉથી જાહેર કરતા જણાવ્યું કે ‘માનસ ગુરુ પ્રસાદ’ વિષય પર કથા સંવાદ થશે.તુલસીજીએ ગુરુપ્રસાદ શબ્દ રામચરિત માનસમાં ત્રણ વખત પ્રયોજ્યો છે.

એક વખત માનસ ભાગવત યાત્રા કરવી છે.વ્યાસજી દ્વારા જ્યાં-જ્યાં ભાગવતની પીઠિકા ફરી છે ત્યાં ફરવું છે અને પૂર્ણાહુતિ કૃષ્ણ શંકર દાદાની અમદાવાદની ભાગવત વિદ્યાપીઠમાં કરવી છે-આવો મનોરથ છે.

== સમાપ્ત ==

Related posts

Lexus India દ્વારા LM 350hનું બુકિંગ ફરી શરૂ

ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor

ગરવી વુમન્સ ટીમે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ 2024 જીતીને નવાં સિદ્ધિનાં ધોરણ સ્થાપિત કર્યા

amdavadlive_editor

Leave a Comment