બાળપણમાં કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસે અને 45 વર્ષે તેમના સમર્થ શિષ્યા કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટ પાસેથી કોષાબહેને ભરતનાટ્યમની તાલીમ મેળવી
કોષાબેન વોરાએ 15 વર્ષની ઉંમરે છોડી દીધેલી નૃત્યની પ્રવૃત્તિને જીવનના 45મા વર્ષે ફરી શરૂ કરી અને તેને સફળતાના શિખરે લઇ ગયા
અમદાવાદ 27 ઓક્ટોબર 2024: અમદાવાદના થલતેજ સ્થિત નહેરૂ ફાઉન્ડેશન ખાતે શ્રીમતી કોષાબેન શૈશવ વોરાનું આરંગેત્રમ સફળતાપૂર્વક આયોજિત થયું. ઉલ્લેખનીય બાબત એ છે કે કોષાબેનની ઉંમર 48 વર્ષની છે, અને આ ઉંમરે યોજાયેલું તેમનું આરંગેત્રમ્ એ એક પદવીદાન સમારોહ કરતા વધુ એક ઘટના જ કહી શકાય.
કોષાબેન હોમમેકર છે અને સાથે જ નિરમા યુનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષાના વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ કાર્યરત છે. સંતાનોમાં તેમને બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી ડૉક્ટર છે અને નાની દીકરી એન્જિનિયરિંગ કરી રહી છે.
બાળપણમાં કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસે મેળવી ભરતનાટ્યમની તાલીમ
કોષાબેને નવ વર્ષની ઉંમરથી કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર પાસેથી ભરતનાટ્યમની તાલીમ લેવાની શરૂ કરી હતી. તેમણે સતત 7 વર્ષ સુધી ઇલાક્ષીબેન પાસેથી નૃત્યની તાલીમ લીધી. પરંતુ, ત્યારબાદ તેઓ દસમા ધોરણમાં આવ્યા, અને ગુજરાતી પરિવારોની પરંપરા અનુસાર, દસમા ધોરણ પછી બાળકોએ પોતાની કારકિર્દી પર વિશેષ ધ્યાન આપવાનું રહે છે. એ ન્યાયે કોષાબેને પણ દસમા ધોરણમાં આવ્યા બાદ તેમની નૃત્યની તાલીમ પર પૂર્ણવિરામ મૂકી દીધું. પરિણામે, તેમણે સાત વર્ષની ભરતનાટ્યમની તાલીમ તો મેળવી પરંતુ તેમનું આરંગેત્રમ્ બાકી રહી ગયું! આરંગેત્રમ્ એટલે, ભરતનાટ્યમ નૃત્યશૈલી શીખતા શિષ્યની તાલીમ પૂર્ણ થયા પછી, ગુરૂની આજ્ઞાથી મંચ ઉપર આરોહણ કરીને પર્ફોર્મન્સ આપવું. રંગમંચ ઉપર શિષ્યનું કલાકાર તરીકે પ્રથમ પર્ફોર્મન્સ એટલે આરંગેત્રમ્, જે કોષાબેન તે સમયે કરી ન શક્યા.
કોષાબેનના સાસુએ કરિયર માટે આપ્યો સપોર્ટ
કોષાબેનના લગ્ન થયા અને ત્યારબાદ ટિપિકલ ગુજરાતી ઘરોમાં થાય એમ, ઘર, વર અને સંતાનો એમનું સંપૂર્ણ જીવન બની ગયા. પોતાના સંતાનોની કારકિર્દી અને તેમના શોખ કોષાબેનની પ્રાથમિકતા બની ગયા! હુંમાંથી અમે થયા અને અમેમાંથી આપણે થયા, પણ એમાં ક્યાંક હું ખોવાઈ ગયો!
કોષાબેનના સાસુ-સસરા બંને ડૉક્ટર, તેઓ બંને પ્રેક્ટિસ કરે એટલે કોષાબેને ઘરનો ભાર સંભાળ્યો અને પરિવારના બેકબોન બન્યા. પણ તેમના સાસુ ડૉ. મુક્તાબેનને મનમાં ખટકો હતો કે આ બધામાં મારી કોષા પાછળ રહી ગઈ. મુક્તાબેને તેમની વહુને કહ્યું કે, “તને જે ગમે તે કામ કર, પણ હવે તારા કરિયર વિશે વિચાર.” તેમણે લગભગ કોષાબેનને ધક્કો મારીને ઘરની બહાર મોકલ્યા. તે પછી કોષાબેન ત્રણ વર્ષ સુધી ફ્રેન્ચ ભાષા શીખ્યા, તેમાં ડિપ્લોમા કર્યું. ત્યારબાદ પહેલા થોડો સમય જીએલએસ યુનવર્સિટીમાં અને પછી નિરમા યુનિવર્સિટીમાં તેમણે ફ્રેન્ચ ભાષા શીખવવા માટે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જવાનું શરૂ કર્યું.
જીવનના 45મા વર્ષે અધૂરા રહેલા આરંગેત્રમને પૂર્ણ કરવાની તપસ્યા આદરી
જીવનના 45 વર્ષ પૂર્ણ કર્યા પછી હવે કોષાબેન માટે સમય હતો જીવન પાસેથી થોડો વધુ સમય ચોરીને તેનો ઉપયોગ કરવાનો. આ બાબતે તેમણે તેમના પતિ શૈશવ વોરા સાથે ચર્ચા કરી, તો તેમણે કહ્યું કે, “જીવનમાં જ્યારે બધું મળી જાય ત્યારે કલા, સાહિત્ય અથવા સ્પોર્ટ્સની દિશામાં જવું જોઇએ. તેં જે વર્ષો પહેલા આદર્યું હતું, અને જે અધૂરું રહ્યું છે, તેને પૂરું કર.” કોષાબેને કહ્યું કે પણ એમાં તો ખૂબ સમય જશે અને બહુ પ્રેક્ટિસ પણ જોઇશે. શૈશવભાઈએ તેમને હિંમત આપી અને કહ્યું, “તને ગમે છે ને? તો થઇ પડશે, આગળ વધો.”
કોષાબેને 15 વર્ષની ઉંમરે અધૂરી છોડેલી ભરતનાટ્યમની તાલીમ 45મા વર્ષે ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ માટે તેમણે કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરના જ શિષ્યા કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટનો સંપર્ક કર્યો અને કલ્યાલ્મ નર્તન એકેડેમી જોઇન કરી.
કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટ માટે આ એક કપરું કામ હતું, કારણકે, સમયના ત્રીસ વર્ષના જામેલા પથ્થરોને તોડીને તેમણે કોષાબેનમાં કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરે કંડારેલી કલાકારની મૂર્તિને બહાર લાવવાની હતી, અને તેને વધુ સુંદર બનાવવાની હતી. તેમણે એ પણ ધ્યાન રાખવાનું હતું, કે વર્ષના સમયના પથ્થરો તોડતી વખતે ક્યાંક અંદર છુપાયેલી મૂર્તિ ખંડિત ન થઇ જાય!
શરૂઆત થઈ એક કલાકની પ્રેક્ટિસથી અને ધીમે-ધીમે તાલીમનો સમય વધતો ગયો. તમામ શારીરિક તકલીફોનો સામનો કરીને કોષાબેન આગળ વધતા ગયા. પરિવાર તરફથી પણ સતત હિંમત અને હૂંફ મળતી રહી. ત્રણ વર્ષની સઘન તાલીમ પછી કલાગુરૂ શ્રીમતી રૂચાબેને શૈશવભાઈને કહ્યું કે હવે ત્રણ-ચાર મહિના પછીની આરંગેત્રમ્ ની તારીખ નક્કી કરો.
કલાગુરૂ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર થયા આરંગેત્રમ્ ના મુખ્ય મહેમાન
આરંગેત્રમ્ ની તારીખ નક્કી થયા પછી કડક ડિસિપ્લીન સાથે કોષાબેનની આકરી તાલીમ શરૂ થઈ. ફ્રેન્ચ ભાષાના ક્લાસીસ અને ઘર-પરિવારની સાથે દરરોજની લગભગ 6 કલાકની સઘન તાલીમ! આરંગેત્રમ્ નું સોલો પર્ફોર્મન્સ હતું, અને તેમણે અઢી કલાક સુધી નૃત્ય કરવાનું હતું, એટલે સ્ટેમિના બિલ્ટ-અપ પ્રોસેસ પણ કરવામાં આવી. આખરે આરંગેત્રમ્ નો દિવસ નજીક આવ્યો. કોષાબેનનું આરંગેત્રમ્ હોય અને એમના પેહલા કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન તેમાં હાજર ના હોય એ તો કેમ ચાલે?
અવસ્થાને લીધે પૂજ્ય ઇલાક્ષીબેન ઘરની બહાર ઘણું ઓછું નીકળે. પણ કોષાબેન અને શૈશવભાઈ તેમને મળવા અને આમંત્રિત કરવા ગયા. બંનેના મીઠાશભર્યા આમંત્રણ અને શ્રીમતી રૂચાબેનના આગ્રહને વશ તેમણે કાર્યક્રમમાં હાજરી આપવા માટે હામી ભરી, અને અમદાવાદના ઓડિટોરિયમમાં એક અદ્ભુત ઘટના ઘટી. કોષાબેનના આરંગેત્રમ્ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પી.કે. લહેરી સાહેબ અને શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરે હાજરી આપી.
શ્રીમતી કોષાબેન શૈશવ વોરાના પદવીદાન સમારોહમાં સંબોધન કરવા દરમિયાન શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરે તેમના શિષ્યા કલાગુરૂ શ્રીમતી રૂચાબેન ભટ્ટને એક સૂચન પણ કર્યું કે હવે ભરતનાટ્યમમાં કંઇક નવું કરવું જોઇએ. તેમણે સુઝાવ આપ્યો કે હવે ભરતનાટ્યમ અને ગરબાને ભેગા કરીને એક નવું ડાન્સ ફોર્મેશન બનાવો. આ ખરેખર, સૌરાષ્ટ્ર-તમિલ સંગમ જેવી અદ્ભુત વાત છે! વાતમાં વિચાર સમાયેલો હોય અને એ વાત જ્યારે કલાગુરૂ પૂજ્ય શ્રીમતી ઇલાક્ષીબેન દ્વારા એમની સમર્થ શિષ્યા કલાગુરુ શ્રીમતી રુચાબેન ભટ્ટ જેવાને કહેવામાં આવી હોય, અને તે પણ બંને કલાગુરુઓની અડતાલીસ વર્ષની શિષ્યા શ્રીમતી કોષાબેનના પદવીદાન સમારોહમાં, ત્યારે એ ઘટનાની ઓછું બિલકુલ નથી!
આ સમગ્ર કાર્યક્રમ નારીશક્તિનું અદ્દભુત સંયોજન અને ઉદાહરણ બની રહ્યો. “એઈજ ઈઝ જસ્ટ નંબર”ને એને સાર્થક કરતા 48 વર્ષીય કોષાબેન વોરાએ તેમનું આરંગેત્રમ્ નું સપનું સફળતાપૂર્વક સાકાર કર્યું. મોટાભાગે મિડલાઈફ ક્રાઇસીસ, મેનોપોઝલ ચેન્જીસમાં ફસાઇને ડિપ્રેશનનો ભોગ બનતી મહિલાઓ માટે આ એક પ્રેરણાદાયી કાર્યક્રમ હતો.