ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી અને પત્રકાર નવિકા કુમારને માનદ ડોક્ટર ઑફ લિટરેચરની પદવી એનાયત કરાઈ
ગાંધીનગર, ગુજરાત | ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ | ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીના શનિવારે યોજાયેલા સાતમા પદવીદાન સમારોહમાં કુલ 1,380 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી, AVSM, PTM, TM અને જાણીતા પત્રકાર નવિકા કુમારને માનદ ડોક્ટર ઑફ લિટરેચર (ડી.લિટ.)ની પદવી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, અધ્યાપકો, યુનિવર્સિટીનું સંચાલન મંડળ તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કુલ 1,380 પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓમાંથી 785 વિદ્યાર્થીઓએ સમારોહમાં રૂબરૂ ઉપસ્થિત રહી પદવીઓ મેળવી હતી. તેમાં યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (UID)ના 515, યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (UIM)ના 126, યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (UIT)ના 53, યુનાઇટેડવર્લ્ડ સ્કૂલ ઑફ લૉ (UWSL)ના 49, યુનાઇટેડવર્લ્ડ સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ માસ કમ્યુનિકેશન (USLM)ના 28, કર્ણાવતી સ્કૂલ ઑફ ડેન્ટિસ્ટ્રી (KSD)ના નવ અને કર્ણાવતી સ્કૂલ ઑફ રિસર્ચ (KSR)ના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કુલ 29 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સંબોધતાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણીએ જણાવ્યું હતું કે, “યુનિવર્સિટી એવું સ્થળ છે, જ્યાં વિચારોનું સંવર્ધન થાય છે, તેના પર પ્રશ્નો ઊભા થાય છે અને તે વિચારો જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. જોકે, શિક્ષણનો સાચો અર્થ આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને કઈ જવાબદારીઓ નિભાવીએ છીએ તેમાં રહેલો છે. આજે જ્યારે તમે પદવી પ્રાપ્ત કરી રહ્યા છો, ત્યારે યાદ રાખજો કે તમારી ડિગ્રી તમારી શૈક્ષણિક સિદ્ધિનું પ્રતીક છે, પરંતુ આવતીકાલે તમારી કસોટી તમારા વ્યક્તિત્વ અને ચારિત્ર્યની થશે. દરેક વ્યવસાયમાં પ્રામાણિકતા, સાહસ અને સંવેદનશીલતા જેવા મૂલ્યોનું વિશેષ મહત્ત્વ છે. આજના સમયમાં વિશ્વ અસાધારણ તકોની સાથે અનેક પડકારો અને જટિલતાઓ પણ ધરાવે છે. મારી તમને અપીલ છે કે જિજ્ઞાસુ રહો, સતત શીખતા રહો અને બદલાતા સમય સાથે અનુકૂલન સાધવા તૈયાર રહો. ટેક્નોલોજી માનવીની ક્ષમતાઓને વધુ સશક્ત બનાવી શકે છે, પરંતુ તે માનવીના વિવેક, અંતરાત્મા કે સાહસનું સ્થાન લઈ શકતી નથી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કર્ણાવતી યુનિવર્સિટી, કોસ્ટ ગાર્ડ અને કોસ્ટ ગાર્ડ વેલ્ફેર એન્ડ વેલનેસ એસોસિએશન વચ્ચે એક સહયોગની જાહેરાત કરતાં મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આ સહયોગ અંતર્ગત ફરજ બજાવતા અને નિવૃત્ત કોસ્ટ ગાર્ડ કર્મચારીઓનાં સંતાનોને શિષ્યવૃત્તિ તથા પ્રવેશ માટે સહાય પૂરી પાડવામાં આવશે. દેશની સેવા કરનારા જવાનોને એ વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પરિવારનું પણ સન્માન થાય છે અને તેમની સંભાળ લેવામાં આવે છે. આ સહયોગ એ જ સહિયારી ભાવનાનું પ્રતિબિંબ છે.”
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રીતેશ હાડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને પદવીદાન એ આ સફરનું માત્ર એક મહત્ત્વપૂર્ણ પડાવ છે. આજે તમે કર્ણાવતી યુનિવર્સિટીમાંથી પદવી મેળવીને બહાર નીકળી રહ્યા છો, પરંતુ જીવન તમને અલગ-અલગ તબક્કે અનેક રીતે પડકારશે. આ પડકારોનો સામનો કરવા માટે અમે તમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેમાં ખાસ કરીને ટેક્નોલોજીના ક્ષેત્રે સતત પરિવર્તન અને નવીનતા જોવા મળી રહી છે. તેથી પોતાની કૌશલ્ય ક્ષમતાઓનો સતત વિકાસ કરવો, બદલાવને સ્વીકારવો અને સમયથી આગળ રહેવા માટે સજ્જ બનવું અત્યંત જરૂરી છે. જીવનમાં આગળ વધતી વખતે એ પણ યાદ રાખવું જોઈએ કે દેશ પ્રત્યે આપણા સૌની જવાબદારી છે. આશા છે કે તમે સૌ રાષ્ટ્રગૌરવની મજબૂત ભાવના સાથે દેશના વિકાસ અને પ્રગતિમાં યોગદાન આપશો.”
પત્રકાર નવિકા કુમારે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રહેવા, પડકારો સામે ધીરજ અને દૃઢતાથી આગળ વધવા તથા સફળતાની રાહ જોવાના સમયનો ઉપયોગ નવીન વિચારો અને ક્ષમતાઓ વિકસાવવા માટે કરવાની પ્રેરણા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “સફળતા ઇન્સ્ટન્ટ કોફી જેવી નથી કે પળવારમાં મળી જાય. તેના માટે સખત મહેનત, ધીરજ, દૃઢ નિશ્ચય અને સમયની સાથે પોતાની જાતને નવેસરથી ઘડવાની ક્ષમતા જરૂરી છે. પ્રસ્તુત સમયમાં ટકી રહેવા માટે સતત શીખતા રહેવું, જૂની માન્યતાઓ અને રીતોને છોડીને નવું શીખવું તથા પોતાની જાતને અપડેટ કરતા રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભૂતકાળની સિદ્ધિઓના આધારે અટકી ન જશો. દરેક નવો દિવસ એક નવો પડકાર અને કંઈક નવું સર્જવાની તક લઈને આવે છે. જો સફળતા મેળવવામાં સમય લાગે, તો એ સમયનો રચનાત્મક ઉપયોગ કરો. સતત કાર્યરત રહો, શીખતા રહો અને સર્જન કરતા રહો. તમારી મહેનત અને સતત પ્રયત્નોથી એક-એક પગથિયું ચડીને તૈયાર થયેલી સફર જ તમને ગૌરવની અનુભૂતિ કરાવશે.”
ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણીને દેશની દરિયાઈ અને દરિયાકાંઠાની સુરક્ષાના ક્ષેત્રે તેમના વિશિષ્ટ નેતૃત્વ, સમર્પિત સેવાઓ અને અમૂલ્ય યોગદાનની કદરરૂપે માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જ્યારે પત્રકારત્વના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ નવિકા કુમારને માનદ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
કર્ણાવતી યુનિવર્સિટી ડિઝાઇન, ડેન્ટિસ્ટ્રી, બિઝનેસ મેનેજમેન્ટ, કાયદા, લિબરલ આર્ટ્સ, માસ કમ્યુનિકેશન, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો પ્રદાન કરે છે. યુનિવર્સિટીનો ઉદ્દેશ શૈક્ષણિક ગુણવત્તા અને વ્યવહારુ અનુભવના સમન્વય સાથે આંતરવિષયક શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી વિદ્યાર્થીઓ સતત બદલાતા વિશ્વના પડકારોનો સામનો કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રાપ્ત કરી શકે.
== સમાપ્ત ==
