વર્લ્ડ મેન્ટલ હેલ્થના દિવસ નિમિત્તે સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાએ વર્ક પ્લેસ પર ઉભી થતી સમસ્યાઓનું આપ્યું સોલ્યુશન
સાંપ્રત સમયમાં કોરોનાની બિમારીનો સામનો વિશ્વના ઘણા લોકોએ કર્યો છે પરંતુ આ બિમારી જેટલી ઝડપી ફેલાઈ હતી એથી પણ વધુ ઝડપથી ફેલાનાર કોઈ બિમારી હોય તો એ માનસિક સમસ્યાઓની છે જેનો સામનો આજે ઘણા લોકો કરી રહ્યા છે. મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓ વધતા તેનું નિવારણ જરૂરી છે આ બાબતને ધ્યાનમાં લેતા લીલાવતી ફાઉન્ડેશન તથા લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા બોપલ આંબલી રોડ, અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને સૂચવેલી થીમ મેન્ટલ હેલ્થ એટ વર્ક પ્લેસ વિષય પર આ અવેરનેસ વર્કશોપ ગુજરાતના જાણીતા સાયકોલોજિસ્ટ બિજલ પંડયા દ્વારા કંડક્ટ કરાયો હતો. જેમને આ વિષયને અનુરુપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં લીલાવતીના 50 જેટલા સ્ટાફ મેમ્બર, ડોક્ટર નર્સીંગ સ્ટાફ, ટેકનીશીઅન એમ તમામે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સૌરવ શર્મા તથા રાજેન્દ્ર રાવલ દ્વારા કરવામાં આવ્યુ હતું.
બિજલ પંડ્યાએ જણાવ્યું હતું કે, માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ એ દિવસેને દિવસે વધી રહી છે. લોકો આ પ્રકારનો સ્ટ્રેસ સતત અનુભવી રહ્યા છે પરંતુ તેની વિપરીત અસરો ઘર અને પરીવાર પર પડતી હોય છે. કામનું ભારણ ઘરમાં ફેમિલીના સભ્યો પર દેખાય છે. ત્યારે લોકોએ તેમની માનસિક સમસ્યાઓને સમજવી પડશે, ઘણીવાર લોકો સ્ટ્રેસ કે પછી માનસિક બિમારીઓનો શિકાર બની ગયા હોય છે પરંતુ તેઓને ખૂદ નથી ખબર હોતી કે તેઓ આ સમસ્યાથી પિડાઈ રહ્યા છે. કામ જરુરી છે પરંતુ કામના ભારણને જીવનનું ભારણ બનાવવું એ જરૂરી નથી જેથી સમસ્યા વધી જાય છે. પરંતુ રોજિંદા જીવનમાં લોકો ભૂલી જાય છે કે, કામનો સ્ટ્રેસ ઓફિસ સુધી જ હોવો જોઈએ તેને ઘર સુધી ના લાવો. માનસિક સ્વાસ્થ્યને પહોંચી વળવા માટે શારિરીક સ્વાસ્થ્ય પણ જરૂરી છે જેથી નિયમિત યોગ, વ્યાયામ, પ્રાણામય જેવી પ્રવિત્તિઓને રોજિંદા જીવનમાં આદત બનાવી દેવી જોઈએ. વિના કામના સ્ટ્રેટને હંમેશા દૂર કરો, પોઝિટીવનેસને હંમેશા અપનાવો અને નેગેટીવિટીથી દૂર રહો. તેમ તેમણે પ્રેક્ટિકલ સમજ નાગરિકોને આપી હતી.
આ ઉપરાંત સાકોલોજિસ્ટ બિજલ પંડ્યાએ વર્કપ્લેસ પર ઉભી થતી નાનાથી લઈને મોટી સમસ્યાઓનું નિવારણ કઈ રીતે લાવવું તેની ઉદાહરણ સાથે સમજ આપી હતી.
આ સાથે સાથે વધુમાં દિવસ દરમિયાન વર્કપ્લેસની જુદી જુદી સમસ્યાઓને કઈ રીતે મેનેજ કરવી તે બાબતને લઈને પણ ઈન્ટરેક્ટિવ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં ભાગ લેનાર નાગરિકોએ પણ કેટલીક સમસ્યાઓના નિવારણ માટે તેમને ઉદભવતા સવાલો પૂછતા આ પ્રશ્નોનું સમાધાન પણ તેમને સાંપ્રત સમયને અનુરુપ ખૂબ જ સરળ રીતે આપ્યું હતું. આમ ખરા અર્થમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનની થીમનો આ વિષય સારી રીતે સાર્થક થયો હતો.