- ‘રિશ્તોં કી ડોર’ અને‘ પહલ : છોટે કદમ બડી સોચ’ નામની શૉર્ટ ફિલ્મની બાળ-કલાકારની સફર
- આટલી નાની ઉંમરે પોતાના અભિનયમાંથી જે કંઈ રકમ એકઠી કરે છે સામાજિક કાર્યોમાં ડૉનેટ કરે છે. જીયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં મદદરૂપ થઈ છે.
સૌથી પહેલા એક સરસ મજાની શૉર્ટ ફિલ્મની વાત કરીએ. આ વર્ષે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ શૉર્ટ ફિલ્મનું નામ છેઃ ‘રિશ્તોં કી ડોર’. જે ભુજના પરાગ પોમલે ડિરેક્ટકરી છે અને તેનું નિર્માણ સંજય ત્રિપાઠીએ કર્યું છે.
આ શૉર્ટ ફિલ્મમાં મેન્ટલ હેલ્થના મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં પીટીએસડી એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર કન્ડિશનની વાત કરવામાં આવી છે. ‘રિશ્તોં કી ડોર’માં જિયા ત્રિપાઠી, રમેશ દરજી, પરાગ પોમલ, પંક્તિ જોશી, ખુશ ભાવસાર અને ધીરજ ચવ્હાણે અભિનેતા તરીકે કામ કર્યું છે. ફિલ્મમાં મેન્ટલ હેલ્થના આ મુદ્દા સાથે એ વાત પણ કરવામાં આવી છે કે, કુટુંબમાં ગેરસમજ થવાથી બાળકોના સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. સંયુક્ત કુટુંબમાં રહેતા દાદા-દાદી કેટલા જરૂરી છે – તે વાત આ શૉર્ટ ફિલ્મમાં કરવામાં આવી છે.
‘રિશ્તોં કી ડોર’માં પોતાના અભિનયથી સૌનું ધ્યાન ખેંચનાર જીયા સંજયભાઈ ત્રિપાઠીની વાત આજે કરવી છે. ભુજની માત્ર 10 વર્ષની આ છોકરીને પહેલાથી જ અભિનયમાં રસ છે અને શાળાના દરેક કાર્યક્રમમાં ભાગ લઈ તે હંમેશા પ્રથમ જ રહી છે. મહત્વની વાત તો છે કે આટલી નાની ઉંમરે પોતાના અભિનયમાંથી પોતે જે કંઈ રકમ એકઠી કરે છે તે રાશનકિટ અને બાળકો માટેની સ્કૂલબેગ રૂપે ડૉનેટ કરે છે. જીયા લાયન્સ હોસ્પિટલ ભુજમાં મદદરૂપ થઈ છે. ઉપરાંત ઉનાળાના દિવસોમાં ગરમીમાં રાહત મળે એ હેતુથી ઠંડી છાશના વિતરણ કાર્યક્રમો પણ તે કરે છે. જીયા અને તેમના પિતા સંજયભાઈ ‘સત્યમ’ સંસ્થા દ્વારા યોજાતા કાર્યક્રમોમાં નિયમિત સેવા આપે છે.
જીયા ચાર વર્ષની હતી ત્યારથી જ તેને કેમેરા સામે કામ કરવાની ખૂબ જ ઈચ્છા હતી. આનંદની વાત છે કે ઈન્સ્ટાગ્રામ પર જીયાના 4000થી વધુ ફોલોઅર્સ છે અને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટમાં તેમણે કોમેડી અને સમાજોપયોગી રીલ્સ મૂકેલી છે. આટલું જ નહીં, જીયા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે અને એંશી ટકાથી વધારે ગુણ લાવે છે. અભિનય ઉપરાંત જીયાને ડ્રોઈંગ અને મઢવર્કમાં પણ બહુ જ રસ છે. નાની ઉંમરમાં જ જીયા શિસ્તને વરેલી છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે જીયાની મોટી બહેન પંક્તિ જોશીનો પણ તેને બહુ સહયોગ રહ્યો છે. નવરાત્રિના રાસ ગરબા હોય કે ડાન્સ કોમ્પિટિશન હોય, જીયા સતત અવ્વલ રહી છે.
જીયાને મળેલા સન્માનની વાત કરીએ તો સંસ્કારધામ મંદિર, રાવલવાડી રીલોકેશન સાઈટ– કચ્છ, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ,ભુજ વગેરેમાંથીઅઢળકસન્માનો પ્રાપ્ત થયા છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છતા અભિયાન’ માટે જીયાએ ‘પહલ : છોટે કદમ બડી સોચ’ નામની એક સાયલન્ટ શોર્ટ મૂવી પણ બનાવી હતી અને એને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. એટલે સુધી કે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ જીયાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ભૂજની રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જીયાની આ શોર્ટ ફિલ્મનું લોન્ચિંગજીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મોહન પટેલ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ કાશ્મીરાબેન ઠક્કર, રજીસ્ટ્રાર અનિલભાઈ ગોર, કચ્છ જીલ્લા શિક્ષણ સમાજપ્રમુખ નયનસિંહ જાડેજા, જય પ્રકાશભાઈ ગોર, રાજેશભાઈ ગોર, છત્રપાલસિંહ જાડેજા, પ્રોડ્યુસર મોહિતભાઈ જોશી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, રિતેનભાઈ ગોર, પરાગભાઈ પોમલ, ડાયરેક્ટર ધવલભાઈ સોલંકી, પ્રફુલભાઈ પરમાર વગેરે પણ હાજર રહ્યા હતા.
જીયાના પિતા સંજયભાઈ કન્સ્ટ્રકટર છે, તો માતા જાગૃતિબેન ગૃહિણી છે. દાદા રમેશચંદ્રજીનિવૃત્ત મામલતદાર છે. કાકામાંડવી જી.ટી. હાઈસ્કુલમાં ટીચર છે. આથી એમ કહેવું અતિશયોક્તિભરેલું નહીં ગણાય કે જીયાને વારસામાં જ સંસ્કાર સાથે શિક્ષણ મળેલું છે. જાણીને નવાઈ લાગે એવી વાત છે કે આજે આટલું નામ કરનાર જીયાને શરૂઆતમાં સ્કૂલમાં થોડી મુશ્કેલી પડતી હતી, પરંતુ માતા પિતાનો સહકાર અને સ્ટાફની હૂંફને લીધે જીયાને પોતાની પ્રતિભાના વિકાસ માટે એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે. ‘Jiya Tripathi Films’યુ ટ્યુબ ચેનલ પર તમે આ બંને ફિલ્મો જોઈ શક્શો.