26.5 C
Gujarat
October 23, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ક્લિન એનર્જીના લક્ષ્યાંકોથી 2030 સુધીમાં 44 લાખ રોજગારીની તકો સર્જાઈ શકે; 2047 સુધીમાં ઓર્ગેનિક વેસ્ટ ક્ષેત્રમાં 51 અબજ ડૉલરના રોકાણની સંભાવના : CEEWનો અભ્યાસ

અમદાવાદ, ગુજરાત | ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ | નવી દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતી અને વિશ્વની અગ્રણી ક્લાઇમેટ થિંક ટેન્ક્સમાંની એક એવી કાઉન્સિલ ઑન એનર્જી, એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર (CEEW) દ્વારા આજે અમદાવાદમાં ‘ઊર્જા પરિવર્તન અને ઘન કચરો: આત્મનિર્ભર અને આબોહવા-સક્ષમ ભારતના નિર્માણની તકો’ વિષય પર જ્ઞાન-આદાનપ્રદાન માટે રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું. CEEWના સંશોધકોએ જણાવ્યું હતું કે ક્લિન એનર્જી તરફનું પરિવર્તન ભારતને બદલી રહ્યું છે અને દેશની ઊર્જા પુરવઠા વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવી રહ્યું છે.

માત્ર 30 વર્ષમાં ભારતે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે લગભગ દરેક ઘરમાં વીજળી પહોંચી છે અને વીજળીનું ગ્રીડ પણ ધીમે ધીમે વધુ હરિત બની રહ્યું છે. વર્ષ 2022 સુધીમાં 99 ટકા ઘરોમાં વીજળીની સુવિધા પહોંચી હતી. વ્યક્તિદીઠ વીજળીનો વપરાશ અગાઉની સરખામણીએ 3.5 ગણો વધ્યો હતો. વીજળીની લાઇનોની લંબાઈ ત્રણ ગણી થઈ હતી, જ્યારે વીજ ઉત્પાદન ક્ષમતા છ ગણી વધી હતી. આ ક્ષમતામાં નવીનીકરણીય ઊર્જાનો હિસ્સો પણ સતત વધી રહ્યો હતો.

CEEWના સિનિયર પ્રોગ્રામ લીડ ધ્રુવક અગ્રવાલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2026માં ગુજરાતની નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 55.5 ગીગાવોટ હતી. આ દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ છે અને ભારતની કુલ ક્ષમતાના 18 ટકા જેટલી છે. ગુજરાતની પવન ઊર્જા ક્ષમતા પણ સપ્ટેમ્બર 2026માં 17 ગીગાવોટ નોંધાઈ હતી, જે દેશમાં સૌથી વધુ છે. રાજ્યમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ 6.8 લાખથી વધુ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે. ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ક્લિન એનર્જી ક્ષેત્રમાં 44 લાખથી વધુ રોજગારીની સંભાવના

ક્લિન એનર્જી તરફનું પરિવર્તન માત્ર ઘરો અને ઉદ્યોગોને સ્વચ્છ ઊર્જા પૂરી પાડતું નથી, પરંતુ રોજગારીની નવી તકો પણ ઊભી કરે છે. CEEW અને NRDCના 2026ના અભ્યાસ ‘ડ્રાઇવિંગ એનર્જી ટ્રાન્ઝિશન : વર્કફોર્સ, સ્કિલ્સ એન્ડ જેન્ડર ઇન ઇન્ડિયાઝ રિન્યુએબલ એનર્જી સેક્ટર’ અનુસાર, ભારત 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંક અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યાંકો હાંસલ કરે તો 44 લાખથી વધુ પૂર્ણકાલીન સમકક્ષ રોજગારીની તકો સર્જાઈ શકે છે.

અભ્યાસ મુજબ, પ્રતિ મેગાવોટ સૌથી વધુ રોજગારી બાયોમાસ ઊર્જા અને નાના જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાં સર્જાય છે. જ્યારે માત્ર રૂફટોપ સોલર ક્ષેત્રમાંથી જ અંદાજિત કુલ રોજગારીની લગભગ 43 ટકા તકો ઊભી થઈ શકે છે.

ઓર્ગેનિક વેસ્ટ ક્ષેત્રમાં 26 લાખ સીધી નોકરીઓ અને 51 અબજ ડૉલરના રોકાણની સંભાવના

ચર્ચા દરમિયાન વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં રોજગારી અને આર્થિક તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ભારતમાં શહેરોમાં દરરોજ 1,71,000 ટન કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી લગભગ અડધો કચરો જૈવિક એટલે કે ઓર્ગેનિક હોય છે.

CEEWના ‘ઓર્ગેનિક વેસ્ટ સર્ક્યુલર ઇકોનોમી ફોર વિકસિત ભારત: 2047 સુધી રોજગારી, રોકાણ અને ઉત્સર્જનના માર્ગો’ અભ્યાસ અનુસાર, અનુકૂળ નીતિગત માળખું ઊભું કરવામાં આવે તો વર્ષ 2047 સુધીમાં ભારતમાં જૈવિક કચરા ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી એટલે કે પરિપત્ર અર્થતંત્ર દ્વારા 26 લાખ સીધી રોજગારીની તકો સર્જાઈ શકે છે અને આશરે 51 અબજ અમેરિકન ડૉલરનું રોકાણ આકર્ષી શકાય છે.

નાના પાયે જૈવિક કચરામાંથી કમ્પોસ્ટ બનાવી શકાય છે, જે રાસાયણિક ખાતરોના વિકલ્પ તરીકે ઉપયોગી બને છે અને જમીનની ગુણવત્તા સુધારે છે. મોટા પાયે આ જ કચરામાંથી બાયોગેસનું ઉત્પાદન કરી શકાય છે, જેનો ઉપયોગ વાહનવ્યવહાર, રસોઈ અને વીજ ઉત્પાદન માટે થઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન જૈવિક ખાતર પણ મળે છે.

CEEWનાં સિનિયર પ્રોગ્રામ લીડ પ્રિયંકા સિંઘે જણાવ્યું હતું કે, “ભારતમાં જૈવિક કચરાના વ્યવસ્થાપન માટે મજબૂત નીતિગત માળખું પહેલેથી જ તૈયાર થયું છે. અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આશરે 16 મંત્રાલયો અને સરકારી સંસ્થાઓ નવ કાર્યક્રમો, ત્રણ નીતિ માર્ગદર્શિકાઓ અને સાત યોજનાઓ મારફતે આ ક્ષેત્રમાં કાર્યરત છે. સ્વચ્છ ભારત મિશન–શહેરી, નેશનલ બાયોએનર્જી પ્રોગ્રામ અને ગોબરધન જેવી યોજનાઓએ કચરાના નિકાલથી આગળ વધીને સંસાધન પુનઃપ્રાપ્તિ (Resource Recovery)ની દિશામાં વિચારસરણી વિકસાવવામાં મદદ કરી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હવે સૌથી મોટો પડકાર વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન અને યોજનાઓનો અસરકારક અમલ કરવાનો છે. શહેરોમાં કચરા અંગે વિશ્વસનીય માહિતી, માત્ર જથ્થાને બદલે ગુણવત્તાને પ્રોત્સાહન આપતા કરારો, સ્ત્રોત પર જ અલગ કરાયેલા કચરાનો નિયમિત પુરવઠો અને કમ્પોસ્ટ, ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર તથા બાયો-સીએનજી માટે વિશ્વસનીય ખરીદ બજાર સુનિશ્ચિત કરવું જરૂરી છે.”

અમદાવાદ કલ્ચરલ વીકમાં ‘વોટ ઑન અર્થ!’નું આયોજન

CEEW અમદાવાદ કલ્ચરલ વીકના ભાગરૂપે ‘વોટ ઑન અર્થ!’ કાર્યક્રમ પણ યોજી રહ્યું છે. આજથી શરૂ થયેલા ચાર દિવસીય આ કાર્યક્રમમાં આબોહવા પરિવર્તનને લગતાં કાર્ટૂન, પ્રાયોગિક વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સત્રો નિઃશુલ્ક છે અને 26 ઑક્ટોબર 2026 સુધી અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાશે.

== સમાપ્ત ==

Related posts

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

amdavadlive_editor

સાયબર સિક્યુરિટી દ્રોણાક્ષ મેગેઝિન લૉન્ચ કરાયું

amdavadlive_editor

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેસ્ટોકની હોસ્પિટલ દ્વારા યુનિક કાર્યક્રમનું આયોજન કર્યું

amdavadlive_editor

Leave a Comment