August 26, 2026
Amdavad Live
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

અમદાવાદના ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના બાળકોએ રોમાનિયાના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી

ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે, જે માત્ર બાળકોને જ આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈને ગુજરાતી સંસ્કૃતિ, લોકનૃત્ય અને પરંપરાઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન કરાવે છે. દેશ-વિદેશના વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાતી સંસ્કૃતિની ઓળખ પહોંચાડવાનું આ અનોખું કાર્ય છેલ્લા 15 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ, ગુજરાત | ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતની સમૃદ્ધ અને રંગબેરંગી સંસ્કૃતિને વિશ્વ મંચ પર રજૂ કરવાની ગૌરવપૂર્ણ તક અમદાવાદની ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના 15 બાળકોએ મેળવી હતી. રોમાનિયામાં તા. 15થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા 30મા આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં અમદાવાદના 9થી 14 વર્ષની વયના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યની સુંદર ઝાંખી રજૂ કરી હતી.

રોમાનિયાના વાતરા ડોર્નેઈ (Vatra Dornei) ખાતે યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સ્લોવાકિયા, જ્યોર્જિયા, ઉત્તર મેસેડોનિયા, રશિયા, પોલેન્ડ, તુર્કી સહિત 12 દેશો તેમજ રોમાનિયાના વિવિધ પ્રદેશોના ડાન્સ ગ્રુપોએ ભાગ લીધો હતો. વિવિધ દેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવનારા આ મહોત્સવમાં ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના બાળકોએ આશરે 25 મિનિટનું નૃત્ય પ્રસ્તુતિ આપી હતી.

ફેસ્ટિવલનું આયોજન રોમાનિયા સરકાર, સ્થાનિક મ્યુનિસિપાલિટી અને CIOFFના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઓપનિંગ સેરેમની, આંતરરાષ્ટ્રીય પરેડ, વિવિધ દેશોના પરંપરાગત નૃત્યો અને ક્લોઝિંગ સેરેમની સહિતના કાર્યક્રમોનું રોમાનિયાની રાષ્ટ્રીય ચેનલ પર પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના ડાયરેક્ટર તીર્થરાજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા છેલ્લા 15 વર્ષથી CIOFF ની સભ્ય છે. છેલ્લા 25 વર્ષથી હું ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી સાથે જોડાયેલો છું, જ્યાં 4 થી 14 વર્ષના બાળકોને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી સંસ્કૃતિની ઝલક ફરી એકવાર વિશ્વ મંચ પર રજૂ કરવાની તક મળી તે અમારા માટે ગૌરવની વાત છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લા 15 વર્ષથી અમે વિદેશમાં વિવિધ કલ્ચરલ પ્રોગ્રામ મારફતે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિને રજૂ કરી રહ્યા છીએ. આ અગાઉ પણ અમારી સંસ્થાના બાળકોએ લંડન, કેનેડા, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, નેધરલેન્ડ અને પોલેન્ડ જેવા દેશોમાં ગુજરાતી સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું છે.”

રોમાનિયાના પ્રવાસ દરમિયાન બાળકોને માત્ર પોતાની સંસ્કૃતિ રજૂ કરવાની જ નહીં, પરંતુ અન્ય દેશોની સંસ્કૃતિને નજીકથી જાણવાની તક પણ મળી હતી. વિવિધ દેશોના બાળકો સાથે પરંપરાગત રમતો રમવા, નવા મિત્રો બનાવવા અને એકબીજાની સંસ્કૃતિને સમજવાનો અનુભવ બાળકો માટે યાદગાર રહ્યો હતો.

ગુજરાતના બાળકો વિશ્વના વિવિધ દેશોમાં જઈને પોતાની ધરતીની સંસ્કૃતિ, પરંપરા અને કળાની ઓળખ કરાવી રહ્યા છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. રોમાનિયામાં યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પણ 9થી 14 વર્ષની વયના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતી સંસ્કૃતિની આગવી છાપ ઉપસાવી હતી.

ગુજરાતના બાળકો દ્વારા રોમાનિયાની ધરતી પર રજૂ થયેલી આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ માત્ર એક નૃત્ય કાર્યક્રમ નહીં, પરંતુ “ગુજરાતની સંસ્કૃતિ વિશ્વ સુધી” પહોંચાડવાનો એક ગૌરવપૂર્ણ પ્રયાસ બની રહી હતી.

રોમાનિયાથી પરત ફર્યા બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તમામ બાળકોને મુખ્યાલય ખાતે આમંત્રિત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ડાયનામાઇસ ચિલ્ડ્રેન એકેડેમી દ્વારા અગાઉ પણ પોલેન્ડ, ફ્રાન્સ, નેધરલૅન્ડ, લંડન, તુર્કી, સાયપ્રસ અને કેનેડા જેવા વિવિધ દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

આ ઉનાળામાં પૌષ્ટિક નાસ્તો ખાઓ અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવો

amdavadlive_editor

કબીર વૈરાગનો વડ છે.

amdavadlive_editor

અનન્ય. ખ્યાતનામ. પ્રસ્તુત છે: વૈશ્વિક સ્તરે ખ્યાતનામ કારનું પુન:રાગમન – Škoda Octavia RS

amdavadlive_editor

Leave a Comment