મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શરૂ કરાયેલી કોન્ફરન્સમાં દેશભરમાંથી સંસ્થાઓની હાજરી
અમદાવાદ 18 ઓક્ટોબર 2024: ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન (ISOT) ની 34મી વાર્ષિક કોન્ફરન્સ શુક્રવારે અમદાવાદમાં શરૂ થઈ. આ કોન્ફરન્સ ભારત માટે એક નિર્ણાયક ક્ષણ છે કારણ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના વૈશ્વિક પ્રયાસોમાં આપણો દેશ મોખરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સુનીતા અગ્રવાલએ ઉદ્દઘાટન સમારોહમાં હાજરી આપી.
ભારત હાલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ્સમાં વિશ્વમાં ત્રીજા ક્રમે અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા ક્રમે છે. વર્ષ 2023 માં દેશમાં પ્રથમ વખત 1,000 થી વધુ મૃત લોકોના અવયવોના દાન નોંધાયા હતા જે એક સીમાચિહ્ન હતું. ટ્રાન્સપ્લાન્ટની વધતી માંગને પહોંચી વળવા માટે આ એક મોટી સફળતા હતી.
ઈન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન 2024ના ઓર્ગેનાઈઝિંગ ચેરમેન ડૉ. વિવેક કુટેએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે નોનકોમ્યુનિકેબલ અને લાઇફસ્ટાઇલના રોગોને કારણે છેલ્લા સ્ટેજમાં ઓર્ગન ફેલ્યોરની ઘટનાઓની સંખ્યા ખૂબ વધી છે. તે માટે મૃત્યુ વખતે ઓર્ગન ડોનેશન ખૂબ મહત્ત્વનું બની ગયું છે.
ડૉ. કુટેએ જણાવ્યું હતું, “ભારતે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જોકે, છતાંય આપણે ત્યાં 10 લાખની વસ્તીએ એક વ્યક્તિ માંડ અંગદાન કરે છે. આપણે આ અંગે જાગૃતિ લાવવા અને અંગ દાન વિશેની ગેરમાન્યતાઓને દૂર કરવા માટે પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે. તે માટે ખાસ કરીને બ્રેઇન-સ્ટેમ-ડેડ જેવી ઘટનાઓ વખતે સમયસર સમજાવટ અસંખ્ય જીવન બચાવી શકે છે.”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધન કહ્યું હતું કે અંગદાન દ્વારા કોઇને જીવનદાન આપવું તે સૌથી ઉમદા દાન છે. તેમણે અંગદાનના હેતુ માટે કામ કરતા લોકોની પ્રશંસા કરી અને ખાસ કરીને દુઃખી પરિવારના સભ્યોને તેમના મૃત પ્રિય વ્યક્તિના અંગોનું દાન કરવા માટે સમજાવવામાં તેમની ભૂમિકા ખૂબ જ કપરી અને પ્રશંસનીય હોવાનું કહ્યું.
નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)ના આંકડા અનુસાર, દેશમાં કરવામાં આવેલા અંગ પ્રત્યારોપણની કુલ સંખ્યા વર્ષ 2013 માં 4,990 હતી જે વધીને વર્ષ 2023 માં 17,168 થઈ ગઈ હતી.
ભારત સરકારે “એક રાષ્ટ્ર, એક નીતિ” અભિયાન હેઠળ રાજ્યો સાથે ચર્ચા કરીને વિવિધ સુધારા અમલમાં મૂક્યા છે. આમાં મૃત્યુ પછી દાન અપાતા અંગોના પ્રાપ્તકર્તાઓની નોંધણી માટે ડોમેસાઇલ સર્ટિફિકેટની જરૂરિયાતને દૂર કરવા ઉપરાંત દર્દીઓ માટે ઉચ્ચ વય મર્યાદાને કાઢી નાંખવી અને અંગદાન મેળવવા માટે વેઇટિંગ લિસ્ટમાં રહેલા દર્દીઓ માટે નોંધણી ફી દૂર કરવી શામેલ છે. આ ફેરફારોથી દેશના તમામ ભાગોના અને કોઈપણ વયના દર્દીઓને અંગ પ્રત્યારોપણથી લાભ મળી શકે છે. આનાથી અંગોના દાન કરવા અને મેળવવા બન્ને પ્રક્રિયાઓ સરળ અને સમાવેશી બની છે.
આઇએસઓટી 2024ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. જીગર શ્રીમાળીએ કહ્યું કે આ કોન્ફરન્સમાં અગ્રણી નિષ્ણાતો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે ભારતની અંગ દાન ઇકોસિસ્ટમને વધુ બહેતર બનાવવાના માર્ગો પર ચર્ચા કરાશે. આ ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ વધુમાં વધુ સફળ બને તે માટે અત્યાધુનિક ટેકનોલોજી અંગે પણ વિચારણા કરાશે.